પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): બિટકોઈન કેસમાં ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે અમરેલીના એસપી જગદીશ પટેલની ધરપકડ કરી છે. ગુજરાતના પોલીસના ઈતિહાસમાં ખંડણીના કેસમાં કોઈ ઉચ્ચ પોલીસ અધિકારીની ધરપકડ થઈ હોય તેવો પહેલો કિસ્સો છે. સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી તેમના બિટકોઈન પડાવી કરોડોની ખંડણી માંગી હતી. શૈલેષ ભટ્ટ જેવા વેપારી માણસ આપણી સામે ફરિયાદ કરશે નહીં તેવું માની રહેલા એસપી જગદીશ પટેલનો દાવ ત્યારે ઉંઘો પડયો જ્યારે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે શૈલેષ ભટ્ટની અરજી ઉપર કામ શરૂ કર્યું હતું.

જ્યારે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે તેમને મળેલી અરજીના આધારે ઈન્સપેકટર અનંત પટેલ અને એસપી જગદીશ પટેલના નિવેદન લીધા ત્યારે તેમને ગંભીરતાનો ખ્યાલ આવી ગયો હતો, પણ શૈલેષ ભટ્ટ હવે આગળ વધે નહીં તે માટે તેમણે એક રમત શરૂ કરી હતી, જો કે તેમા પણ શૈલેષ ભટ્ટને મુર્ખ બનાવી પોતે કેસમાંથી નિકળી જવાનો જ પ્લાન હતો. આ પ્લાન પ્રમાણે સૌથી પહેલા ઈન્સપેકટર અનંત પટેલ અમદાવાદ આવ્યા હતા, અને અમદાવાદમાં શૈલેષ ભટ્ટના એક મિત્ર જેઓ આ કેસમાં મધ્યસ્થીની ભૂમિકા અદા કરી રહ્યા હતા, તેમને ત્યાં અનંત પટેલે મીટિંગ કરી હતી.

આ મીટિંગમાં અનંત પટેલની સાથે અમરેલી એલસીબીના કોન્સટેબલો પણ આવ્યા હતા. આ મીટિંગમાં અનંત પટેલે પોતાની ભુલનો એકરાર કરી વાત પતાવી દેવા વિનંતી કરી હતી, પણ જ્યારે તેમના દ્વારા લૂંટી લેવામાં આવેલા બિટકોઈનનો પ્રશ્ન આવ્યા ત્યારે અનંત પટેલે બે-ચાર જ દિવસમા ક્રમશઃ બિટકોઈન પાછા આપી દેવાની અથવા એટલી જ રોકડ રકમ પાછી આપી દેવાની તૈયારી બતાડી હતી, જેના કારણે શૈલેષ ભટ્ટે સીઆઈડીમાં વધુ નિવેદન આપવાનું ટાળ્યુ હતું, પણ આ એક રમત જ હતી, અનંત પટેલ વાયદો કરી નિકળ્યા પછી તેમણે બિટકોઈન પાછા આપ્યા નહીં.

આ દરમિયાન જગદીશ પટેલના સીઆઈડીના સુત્રોએ તેમને માહિતી આપી કે હવે સીઆઈડી રોકાઈ શકે તેમ નથી, જે કરવુ હોય તે જલદી કરો, એટલે ખુદ જગદીશ પટેલ મેદાનમાં આવ્યા, તેમણે  શૈલેષ ભટ્ટના ભાવનરના વલ્લભીપુર રહેતા મિત્રને ત્યાં મીટિંગ ગોઠવી, જો કે આ મીટિંગમાં જગદીશ પટેલે આખા મામલે દોષનો ટોપલો અનંત પટેલ ઉપર ઢોળ્યો હતો, નવા પોલીસ ઈન્સપેકટર છે તેમ કરી તેમણે કેસ પતાવી દેવા જણાવ્યું હતું પણ ફરી બિટકોઈનનો પ્રશ્ન આવ્યો ત્યારે તેમણે પણ બે-ચાર દિવસમાં બિટકોઈન પાછા મળી જશે તેવો વાયદો કર્યો પણ તેમની દાનત ખોરી હતી. એક વખત તેમની પાસે આવી ગયેલા 12 કરોડના બિટકોઈન તેમને પાછા આપવા ન્હોતા. જેના કારણે સમાધાન થઈ શકયુ નહીં.

સીઆઈડી પડદા પાછળ ચાલી રહેલી આ રમતથી પણ વાકેફ હતી, સીઆઈડીના વડા આશીષ ભાટીયા જાણતા હતા કે સીઆઈડીની આટલી મહેનત પછી તો જગદીશ પટેલ એન્ડ કંપની ધાક-ધમકી અથવા પ્રલોભન આપી શૈલેષ ભટ્ટ પાસે કેસ પરત ખેંચાવી લે તો કેસ તુટી જાય, આવું થવાની શકયતા વધી રહી હતી, પણ જગદીશ પટેલથી ઓક ડગલુ આગળ ચાલતા આશીષ ભાટીયાએ શૈલેષ ભટ્ટને ફરિયાદ બનાવવાને બદલે સીઆઈડી ક્રાઈમના ડેપ્યુટી એસપી શૈલેષ રધુવંશીને ફરિયાદી બનાવી, જગદીશ પટેલના હાથમાં રહેલુ શૈલેષ ભટ્ટને તોડવાનું પત્તુ લઈ લીધુ હતું. હવે સીઆઈડી ક્રાઈમ પાસે અનંત પટેલ અને જગદીશ પટેલે સમાધાન માટે કરેલી બંન્ને મીટિંગના સીસીટીવી ફુટેજ પણ છે જેમાં તેઓ બિટકોઈન લીધા હોવાનું અને પાછા આપવાનું કબુલ કરે છે.

જો કે હતી સુધી સીઆઈડી ક્રાઈમ બીટકોઈના ટ્રાન્જેકશનને ટ્રેક કરી શકી નથી, જેના કારણે મંગળવારની આખ રાત ફોરેનસીક સાયન્સના જોઈન્ટ ડાયરેકટકર દહિયાએ ખાનગી સાયબર ટ્રેકર સાથે મળી બિટકોઈન કયાંથી અને કેવી રીતે ગયા તેની તપાસ કરી હતી, સુત્રોની જાણકારી પ્રમાણે તેઓ બિટકોઈન ગયા ક્યાં તેને બહુ જલદી શોધી કાઢશે.