મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: 150 કરોડના બિટકોઇન કેસમાં ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે  શૈલેષ ભટ્ટ સહિત દસ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. જો કે ગુનો દાખલ કરતા પહેલા ધરપકડ શરૂ કરી દેતા શૈલેષ ભટ્ટના ભાણેજ નિકુંજ ભટ્ટ અને ભાગીદાર દિલીપ કાનાણીની ધરપકડ કરી હતી. જ્યારે આઠ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ફરાર થયેલા તમામ આરોપીઓને ઝડપી લેવા માટે સીઆઈડીની અડધો ડઝન કરતા વધુ ટીમએ દરોડા પાડવાનું શરૂ કરતા ફરાર આરોપી ઉપર ભીંસ વધી રહી છે જેના કારણે ચાર આરોપીઓએ સુરત સીઆઈડી સામે શરણાગતી સ્વીકારી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે શૈલેષ ભટ્ટનો ખાસ માણસ જીગ્નેશ મોરવાડિયા જેના ભાગે લૂંટમાંથી 500 બિટકોઇન આવ્યા હતા. જેની બજાર કિંમત 25 કરોડ રૂપિયા થાય છે. તેણે આ તમામ બિટકોઇન વેચી દીધા હતા અને તે રકમ તેણે પોતાના ધીરધારનાં ધંધામાં લગાવી છે. પોલીસે તેની પાસેથી 9 કિલોગ્રામ સોનુ પણ જપ્ત કર્યું છે જેની કિંમત અંદાજે અઢી કરોડ રૂપિયા થાય છે.  

સીઆઈડી સામે હાજર થયેલા આરોપીઓની તત્કાલ ધરપકડ નહીં બતાવવા પાછળ પણ સીઆઈડી ક્રાઈમની વ્યુહ રચના હતી. જેમાં નિકુંજ ભટ્ટ અને દિલીપ કાનાણીના કિસ્સામાં સુરત કોર્ટ દ્વારા ઓછા રીમાન્ડ મળ્યા હતા. બિટકોઇન કેસની પ્રથમ ફરિયાદમાં અમદાવાદની કોર્ટ આરોપીઓને દસ  દિવસ રિમાન્ડ આપી રહી હતી. જ્યારે સુરત કોર્ટ માત્ર બે-બે દિવસના રિમાન્ડ આપતી હતી. આ સંજોગોમાં આરોપીની ધરપકડ બતાવી કોર્ટમાં રજુ કરવાની ઉતાવળ કરવાને બદલે સીઆઈડી શરણે આવેલા આરોપીઓ પાસે બનાવની તમામ જાણકારી મેળવી હતી.


પોલીસે શૈલેષ ભટ્ટનો ભુતકાળ પણ આ આરોપી પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો હતો. શૈલેષ ભટ્ટ સામે નોંધાયેલા અગાઉના ગુનાઓ તેની પ્રવૃત્તીઓ, તેણે કરેલા રોકાણની પણ જાણકારી મેળવી હતી. શૈલેષ ભટ્ટ હાલમાં ક્યા આશ્રય લઈ રહ્યો હશે તેની પણ જાણકારી મેળવી હતી. સીઆઈડીના શરણે આવેલા ચાર આરોપી પૈકી જીજ્ઞેશ મોરવાડીયા, ઉમેશ ગોસ્વામી અને મનોજ કાયડાની ધરપકડ ગુરૂવારની બપોરે એક વાગ્યે કરી હોવાની નોંધ કરી છે. આ તમામ આરોપીઓને શુક્રવારે સુરત કોર્ટ સામે રજુ કરી રીમાન્ડ માંગવામાં આવશે.