પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): ગુંડાઓ જ્યારે ત્રાસ આપે ત્યારે સામાન્ય  માણસનો સથવારો પોલીસ હોય છે, પણ પોલીસ જ્યારે ત્રાસ ગુજારે ત્યારે સામાન્ય માણસ માટે પોતાની જીવનનો અંત આણવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી. આવી જ એક ઘટના અમદાવાદના રાણીપ વિસ્તારમાં ઘટી છે. બીટકોઈન બ્રોકર તરીકે કામ કરતા ભરત પટેલે ડીવાયએસપી ચિરાગ પટેલ (સવાણી) ના ત્રાસને કારણે પોતાના જીવનનો અંત આણ્યો હોવાનો સ્યુસાઇડનોટમાં ઉલ્લેખ કર્યો છે. જે અંગે હવે પોલીસ તપાસ ચલાવી રહી છે. ગુજરાત પોલીસ સેવામાં 2012ની બેંચના અધિકારી ચિરાગ પટેલ કચ્છના ભચાઉના ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે એક રક્ત ચંદન કેસ બહાર આવ્યો હતો. જેમાં તેમની શંકાસ્પદ ભુમીકાની તપાસ પણ થઈ હતી. જો કે પછી તેમની વગને કારણે મામલા ઉપર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યુ હતું.

ચિરાગ પટેલ ભચાઉમાં ફરજ બજાવતા હતા ત્યારે તેમણે રક્ત ચંદનનું એક કન્ટેઈનર પકડ્યું હતું. આ રક્ત ચંદન ગેરકાયદે રીતે દુબઈ જઈ રહ્યુ હતું. દુબઈ જઈ રહેલા કરોડોના રક્ત ચંદનને પકડ્યા પછી તે અંગે ગુનો નોંધવાને બદલે તેમણે રક્ત ચંદન ભરેલુ આખુ કન્ટેઈનર પોતાની ઓફિસમાં લાવી ઉભુ કરી દિધુ હતું. આ મામલે કોઈ પણ કાગળીયા કર્યા વગર તેમણે કન્ટેઈનર પોતાની પાસે ગેરકાયદે રાખ્યુ તે જ બાબત શંકાસ્પદ હતી. આ દરમિયાન પોલીસના તાબામાં રહેલા કન્ટેઈનરમાંથી બહુ મોટો જથ્થો ચોરાઈ ગયો હતો અને તે ભાવનગરમાં વેંચી દેવામાં આવ્યો હતો. આમ પોલીસ સ્ટેશનમાંથી રક્ત ચંદનની ચોરી થતાં આખો મામલો ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાનમાં આવ્યો હતો.

જેના કારણે આ મામલાની તપાસ સોંપવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સ્પષ્ટ થયુ હતું કે ડીવાયએસપી ચિરાગ પટેલે પોતાના બાતમીદારોની મદદથી રક્ત ચંદન પકડ્યું હતું, પણ તે અંગેનો કેસ કરવાને બદલે ભીનુ સંકેલવાના ઈરાદે તેમણે કન્ટેઈનર રેકોર્ડ ઉપર લેવાને બદલે સંબંધીતો સાથે સંપર્ક કરવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન ચૌહાણ નામના પોલીસ સબઈન્સપેક્ટર કેસમાં સામેલ થયા હતા, તેઓ આ ઘટનાનો લાભ કઈ રીતે મળે તે સારી રીતે જાણતા હતા. તેમણે પોલીસના તાબામાં રહેલુ ચંદન ગાયબ કરવાની શરૂઆત કરી હતી. જો કે તમામ ચંદન વગે થાય તે પહેલા તપાસ શરૂ થઈ ગઈ હતી.

આ મામલે તપાસ શરૂ થતાં ચિરાગ પટેલના જ કમાન્ડોએ તપાસ અધિકારીને ચંદન પકડ્યું હોવાની વાતને સમર્થન આપ્યુ હતું. આ ઉપરાંત પીએસઆઈ ચૌહાણની ભુમીકા પણ સામે આવી હતી,  આ મામલો સ્પષ્ટ હતો કે ચિરાગ પટેલ, પીએસઆઈ ચૌહાણ અને સાથે રહેલા પોલીસ સ્ટાફ સામે ગુનો નોંધવાનો હતો, પરંતુ રાજકિય વગ ધરાવતા ચિરાગ પટેલ તેમાંથી બહાર નિકળી જાય તેવો રસ્તો શોધી કાઢવામાં આવ્યો હતો જેના કારણે આખો કેસ હવે પીએસઆઈ ચૌહાણ સામે આવી ઉભો રહ્યો હતો. આમ પોતાને ફસાવવામાં આવી રહ્યા છે તેવો ખ્યાલ ચૌહાણને આવી જતાં તેઓ ગુજરાત હાઈકોર્ટ પહોંચી ગયા હતા. આખરે આખા પ્રકરણને બંધ કરી દેવામાં આવ્યુ હતું.

પણ એક વાત સ્પષ્ટ છે કે ચિરાગ પટેલે પકડેલા રક્ત ચંદનનો જથ્થો પોલીસ સ્ટેશનમાંથી ચોરાઈ ગયો છતાં કોઈની સામે કોઈ કાર્યવાહી થઈ ન્હોતી. પરંતુ હવે ભરત પટેલ આત્મહત્યા પ્રકરણમાં તેમનો ઉલ્લેખ આવ્યો છે, જોઈએ હવે કાયદો જીતે છે કે તેમની રાજકિય વગ.