ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ) : બાયોફયુઅલની ધમાકેદાર માંગ નીકળતા સોયાતેલના ભાવ, સોમવારે અગાઉના તમામ વિક્રમો આંબી ગયા હતા. શિકાગો બોર્ડ ઓફ ટ્રેડ પર આ વરસે અત્યાર સુધીમાં સોયાતેલ વાયદો ૭૨ ટકા ઉછળ્યો છે. આ ઉછાળાને પગલે વર્ષ દરમિયાન આ જણસ સૌથી ઉત્તમ નફો આપનાર બની ગઈ છે. સૌથી વધુ સોદાવાળો જુલાઇ વાયદો સોમવારે ઇન્ટ્રાડેમાં પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) ૭૩.૭૩ સેંટ બોલાયો હતો. આ એક નવો ઐતિહાસિક ભાવ હતો. ફેબ્રુઆરી ૨૦૦૮માં ૬૮.૧૫ સેન્ટની ઊંચાઈ નોંધાઈ હતી.

સોયાતેલની આગ સોયાબીન અને સોયાખોળમાં પણ લાગી હતી, જુલાઇ વાયદા અનુક્રમે ૧૬.૨૩ ડોલર પ્રતિ બુશેલ (૨૭.૨૧૮ કિલો) અને ૪૦૩ ડોલરપ્રતિ ટન તેમજ નવા પાકનો સોયાબીન નવેમ્બર વાયદો ૧૪.૦૨ ડોલર બોલાયા હતા. આ બધી ઊંચા ભાવની ઘટના આપણને એક વાત તરફ ઈસારો કરે છે ઊંચા અનાજ ભાવ આખરે ફુગાવાના ચાલકબળ બનશે. મનીમેનેજરોએ સોયાબીન ફીચર્સ એન્ડ ઑપ્શનમાં તેજીના ઓળીયા ગત સપ્તાહના ૧૦૦૦ કોન્ટ્રેકટની તુલનાએ મામૂલી ઘટાડીને ૧,૩૮,૭૮૮ કોન્ટ્રેકટ (પ્રત્યેક ૫૦૦૦ બુશેલ) સુધી પહોંચાડ્યા હતા. અલબત, સોયાતેલના તેજીના ઓળીયા પણ ૧૦૦૦ કોન્ટ્રેકટથી ઓછા વધારીને ૮૬૦૮૪ કર્યા હતા. 

વેગથી વધી રહેલી સોયાતેલ માંગ અને આગામી વર્ષોમાં સર્જાનારી પુરવઠા અછત વાયદાના ભાવને નાવા નવા ઐતિહાસિક ભાવ તરફ આગળ ઢકેલશે. અમેરિકન કૃષિ મંત્રાલયના માસિક માંગ પુરવઠા અહેવાલમાં કહેવાયું હતું કે ૨૦૨૧-૨૨માં બાયો ફ્યુઅલ ક્ષેત્રે ૧૨ અબજ પાઉન્ડ સોયાતેલનો વપરાશ અપેક્ષિત છે, જે આ વર્ષે ૯.૫ અબજ પાઉન્ડ છે.

Advertisement


 

 

 

 

 

ઉત્પાદકો પણ આ તેજીનો લાભ લેવા સક્રિય થયા છે. અમેરિકાની ૨૦૨૧માં સોયાઓઇલ ઉત્પાદન ક્ષમતા ૯૩૫૦ લાખ ગેલન અંદાજાઇ છે, જે ગતવર્ષ કરતાં બમણી છે. ૨૦૨૩ સુધીમાં વાર્ષિક ક્ષમતા બે અબજ ગેલન કરવામાં આવશે. બજારનું વર્તમાન સેન્ટિમેન્ટ તો એવા સંકેત આપે છે કે હવે આ બધુ લાંબાગાળા માટેનું આયોજન છે. એક વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં એનાલિસ્ટોએ કહ્યું હતું કે ૨૦૨૨ પછીથી કદાચ બજારની સ્થિતિ સામાન્ય થઈ જશે.

બ્રાજીલના નાણામંત્રાલયના તાજેતરમાં રિલીજ થયેલા આંકડા કહે છે કે સોયાબીનની મે મહિનાની નિકાસ ૨૦૨૦ના સમાનગાળા કરતાં ૧૬.૩ ટકા વધીને ૧૬૪ લાખ ટન થઈ હતી. ચીન જે વિશ્વનું સૌથી મોટો આયાતકાર દેશ છે, તેના કસ્ટમસ ડેટા કહે છે કે સોયાબીનની મે આયાત ૯૬.૧ લાખ ટન (મે ૨૦૨૦ માં ૮૩.૮ લાખ ટન) થઈ હતી. એપ્રિલમાં બ્રાજીલથી શિપમેન્ટો મોડા પડવાને લીધે, મેમાં સોયાબિન આયાત ૭૪૫ લાખ ટન અથવા ૨૯ ટકા ઓછી હતી.

ચીનએ ૨૦૨૧ના પ્રથમ પાંચ મહિનામાં સોયાબીનની આયાત ગતવર્ષના સમાનગાળા કરતાં ૧૨.૮ ટકા વધુ ૩૩૮.૩ ટન થઈ હતી, આ આંકડા બજારના અનુમાન પ્રમાણે વાજબી હતા. દરવર્ષે મેથી જીલાઈ સુધીની આયાત પ્રમાણમાં વધુ હોય છે, આ ત્રણ મહિનામાં ૧૦૦ લાખ ટન સોયાબીન આયાત સંભવિત છે. કેટલાંક કાર્ગો ઢીલમાં પડ્યા છે, ટ્રેડરો કહે છે કે જૂનમાં આવનારા કેટલાંક મુલતવી કાર્ગો આગામી મહિનાઓ માટે રોલ-ઓવર કર્યા છે. 

Advertisement


 

 

 

 

 

ભારતના નેશનલ ફૂડ સિક્યોરીટી મિશન ઓન ઓઇલસીડ પ્રોડકશને કહ્યું હતું કે ત્રીજા એડવાન્સ અનુમાનો પ્રમાણે દેશમાં ૨૦૨૦-૨૧માં તેલીબિયાં ઉત્પાદન ૩૬૫.૭ લાખ ટન આવશે, જે ૨૦૧૪-૧૫માં ૨૭૫.૧ લાખ ટન હતું. ૨૦૨૦-૨૧ની રવિ મોસમમાં મસ્ટર (રાયડા) મિશન હેઠળ પસંદગીના બિયારણ વાવેતરના માવજતમાંથી કેટલાંક વિસ્તારમાં ઉત્પાદકતા ૧૩ ટકા અને ઉત્પાદન વૃધ્ધિ ૧૪ ટકા આવતા સરેરાશ હેકટર દીઠ ઉત્પાદનમાં ૨૦ ટકાનો વધારો જોવાયો હતો. 

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)