બિનીત મોદી (મેરાન્યૂઝ.અમદાવાદ): અગિયાર વર્ષ જેવા લાંબા સમયગાળા માટે બિહાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી રહી ચુકેલા સુશીલ કુમાર મોદી 7મી ડિસેમ્બર 2020ના રોજ પેટાચૂંટણીના માધ્યમથી ભારતીય જનતા પક્ષના સભ્ય લેખે રાજ્યસભામાં બીનહરીફ ચૂંટાઈ આવ્યા. રાજ્યસભાના સભ્ય અને અન્ન તેમજ નાગરિક પુરવઠા વિભાગના તત્કાલીન કેન્દ્રિય મંત્રી રામ વિલાસ પાસવાનના અવસાનના કારણે આ બેઠક ખાલી પડી હતી. રાજ્યસભા સચિવાલયે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે આ બેઠકની પેટાચૂંટણીનું મતદાન 14મી ડિસેમ્બરે યોજાવાનું હતું પરંતુ અન્ય કોઇએ ઉમેદવારી ન કરતાં સુશીલ કુમાર મોદીને બીનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા.

રાજ્યસભાની આ બેઠક પર મૂળે તો હાલના કેન્દ્રિય કાયદા અને ન્યાય મંત્રી રવિ શંકર પ્રસાદ સભ્ય હતા. તેઓ સત્તરમી લોકસભા ચૂંટણી-2019માં બિહારની પટના સાહિબ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર લેખે ચૂંટાઈ આવતા રાજ્યસભાની બેઠક ખાલી કરી હતી. પહેલી વાર જૂન 2019માં યોજાયેલી પેટાચૂંટણીમાં લોક જનશક્તિ પાર્ટીના રામ વિલાસ પાસવાન રાજકીય સમજૂતી પ્રમાણે ચૂંટાઈ આવ્યા હતા. ઑક્ટોબર 2020ના પ્રારંભે તેમનું અવસાન થતા બીજી વારની પેટાચૂંટણીમાં ભાજપના સુશીલ કુમાર મોદી ચૂંટાઈ આવ્યા. એક જ રાજ્યસભા બેઠકની બે વાર પેટાચૂંટણી યોજાઈ હોય તેવો પણ આ ભૂતકાળમાં ભાગ્યેજ થયેલો ઘટનાક્રમ બની રહ્યો.

રાજ્યસભાના સભ્ય થયેલા સુશીલ કુમાર મોદી પણ વ્યક્તિગત ધોરણે આવા કવચિત થતા ઘટનાક્રમનો હિસ્સો બન્યા છે. એક રીતે કહીએ તો એ રેકોર્ડ પણ છે. આ જીત સાથે સુશીલ મોદી બંધારણીય લોકશાહી પરંપરાથી સ્થાપિત થયેલા ચોથા વિધાનગૃહના સભ્ય થયા છે. બિહાર વિધાનસભા, બિહાર વિધાન પરિષદ, લોકસભામાં બિહાર રાજ્યના પ્રતિનિધિ અને છેલ્લે રાજ્યસભામાં પ્રવેશ.

ભાજપના સુશીલ કુમાર મોદી 1990માં પહેલી વાર બિહાર વિધાનસભામાં પટના સેન્ટ્રલ બેઠક પરથી ચૂંટાઈને સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા હતા. આ વિધાનસભા બેઠક 2020માં યોજાયેલી ચૂંટણીમાં કુમ્હરાર બેઠકના નવા નામે ઓળખાય છે. વર્ષ 2004 સુધી તેઓ ધારાસભ્ય રહ્યા એ દરમિયાન વિધાનસભા વિરોધપક્ષના નેતા પણ થયા. 2004માં ચૌદમી લોકસભામાં બિહારની ભાગલપુર લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર લેખે વિજેતા થઈ લોકસભામાં પહોંચ્યા. 2005માં લોકસભામાંથી રાજીનામું આપી બિહારના રાજકારણમાં પાછા ફર્યા અને 2005થી 2013 સુધી નાયબ મુખ્યમંત્રી પદે રહ્યા. આ સમયગાળામાં તેઓ 2005 અને 2010માં યોજાયેલી બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી કરવાથી દૂર રહ્યા હતા. અલગ અલગ સમયે સંસદીય બાબતોના તેમજ નાણા વિભાગના મંત્રી પદે હતા એટલે બંધારણીય જરૂરિઆત પુરી કરવા બિહાર રાજ્ય વિધાન પરિષદના સભ્ય થયા હતા. જુલાઈ 2017માં પુનઃ નાયબ મુખ્યમંત્રી થયા એ સમયે પણ વિધાન પરિષદના સભ્ય હતા.

નવેમ્બર 2020 સુધી નાયબ મુખ્યમંત્રી પદે રહેતા તેઓ બે મુદતમાં લગભગ અગિયાર વર્ષ જેઓ સમય આ હોદ્દા પર રહ્યા જે પણ એક વિક્રમ છે. શ્રીકૃષ્ણા સિંહા 1946 થી 1961 બિહારના પ્રથમ મુખ્યમંત્રી હતા એ સમયે તેમના પંદર વર્ષ લાંબા શાસનકાળમાં અનુગ્રહ નારાયણ સિંહા 1946 થી 1957 એમ અગિયાર વર્ષથી વધુ એવા લાંબા સમય માટે નાયબ મુખ્યમંત્રીના હોદ્દા પર રહ્યા હતા. આમ સુશીલ કુમાર મોદી તેમની નજીક પહોંચ્યા એમ કહી શકાય.

આમ બિહાર વિધાનસભા, લોકસભા અને રાજ્યની વિધાન પરિષદના સભ્ય રહી ચૂકેલા સુશીલ મોદી ડિસેમ્બર 2020માં રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા અને એમ ચોથા વિધાનગૃહના સભ્ય થયા. તેઓ પેટાચૂંટણી દ્વારા ચૂંટાયા હોવાથી એપ્રિલ 2024 સુધી એટલે કે સાડા ત્રણ વર્ષ માટે સભ્ય બની રહેશે. ચારેય વિધાનગૃહોના સભ્ય થનારા તેઓ બિહારના પ્રથમ વ્યક્તિ છે. વિધાન પરિષદના સભ્યપદની બાબતમાં નોંધવું – જાણવું જરૂરી છે કે ભારતના દરેક રાજ્યો પાસે આ ગૃહની વ્યવસ્થા – સ્થાપના નથી. માત્ર આંધ્ર પ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઉત્તર પ્રદેશ એમ છ રાજ્યોમાં જ વિધાન પરિષદની વ્યવસ્થા અમલમાં છે.

સુશીલ કુમાર મોદીના ઉપરોક્ત રેકોર્ડની ગુજરાત સાથે સરખામણી કરીએ તો રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકેલા ઘનશ્યામભાઈ ઓઝા ગુજરાતના એકમાત્ર એવા રાજકીય નેતા-વ્યક્તિ હતા જેઓ ચાર વિધાનગૃહોના સભ્ય રહ્યા હતા. રાજકીય કારકિર્દીના પ્રારંભે ઘનશ્યામભાઈ ઓઝા સૌરાષ્ટ્ર રાજ્યની પહેલી અને એકમાત્ર વિધાનસભામાં બે પ્રતિનિધિત્વ ધરાવતી લીંબડી વઢવાણ બેઠકના કૉંગ્રેસ પક્ષના ધારાસભ્ય હતા.

એ પછી ઘનશ્યામભાઈ બીજી અને ત્રીજી લોકસભામાં ઝાલાવાડ – સુરેન્દ્રનગર લોકસભા બેઠકના 1957 થી 1967 એમ દસ વર્ષ માટે કૉંગ્રેસ પક્ષના સંસદસભ્ય હતા. 1967માં ગુજરાતના સ્થાનિક રાજકારણમાં દાખલ થવાનો પ્રયત્ન કર્યો પરંતુ ત્રીજી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં દસાડા બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર લેખે પરાજિત થયા હતા. એ પછી 1971માં પાંચમી લોકસભામાં રાજકોટ લોકસભા બેઠક પરથી વિજેતા થયા અને વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પ્રધાનમંડળમાં ઔદ્યોગિક વિકાસ રાજ્યમંત્રી થયા.

મંત્રી પદેથી અને સંસદસભ્ય પદેથી રાજીનામું આપી 1972માં ઇન્દિરા ગાંધીની પસંદગીથી ગુજરાતના મુખ્યમંત્રી થયા. એ સમયે તેઓ ચોથી ગુજરાત વિધાનસભા 1972-1974માં દહેગામ બેઠકના કૉંગ્રેસ પક્ષના ધારાસભ્ય હતા. મુખ્યમંત્રી પદે માત્ર સવા વર્ષ માટે રહ્યા પછી ચીમનભાઈ પટેલે તેમને હટાવ્યા એટલે નારાજ થયેલા ઘનશ્યામભાઈ કૉંગ્રેસ પક્ષથી દૂર થઈ ગયા. 1975માં જનતા મોરચામાં દાખલ થયા. જનતા મોરચાના આગેવાનોએ તેમને જનતા પાર્ટીના ઉમેદવાર લેખે 1978માં રાજ્યસભામાં મોકલ્યા જે પદ પર તેઓ છ વર્ષની મુદત માટે 1984 સુધી રહ્યા.

આમ ઘનશ્યામભાઈ છોટાલાલ ઓઝા ગુજરાતના એકમાત્ર રાજકીય વ્યક્તિ – નેતા હતા જેઓ સૌરાષ્ટ્ર વિધાનસભા, લોકસભામાં ગુજરાત રાજ્યના પ્રતિનિધિ, ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યસભામાં ગુજરાતના પ્રતિનિધિ લેખે એમ ચારેય વિધાનગૃહોના સભ્ય થયા હતા.

બત્રીસ વર્ષની રાજકીય કારકિર્દીમાં ઘનશ્યામભાઈ ઓઝા સવા વર્ષ જેવા ટુંકા સમય માટે કેન્દ્રિય મંત્રી અને એટલા જ સમય માટે ગુજરાતના મુખ્યમંત્રી થઈ શક્યા. જ્યારે બત્રીસ વર્ષથી બિહારના રાજકારણમાં સક્રિય રહેલા સુશીલ કુમાર મોદી ક્યારેય બિહારના મુખ્યમંત્રી થઈ શક્યા નહીં. હા, હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળનો હિસ્સો થઈ શકે એટલો રાજકીય અને વૈધાનિક કામગીરીનો અનુભવ મેળવી લીધો છે. નરેન્દ્ર મોદી તેમના પ્રધાનમંડળની નવેસરથી રચના કરે એટલી જ વાર છે. થોભો અને રાહ જુઓ.

(‘ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ’ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. – બિનીત મોદી)