મિલન ઠક્કર (મેરાન્યૂઝ અમદાવાદ): લગભગ છેલ્લા એક અઠવાડિયાથી બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતીના આક્ષેપ સાથે પરીક્ષા રદ કરવાની માગ ગુજરાતભરના વિદ્યાર્થીઓમાં ઉગ્ર બની છે અને વિદ્યાર્થીઓ ન્યાય માગવા ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં અલગ અલગ સ્થળે રસ્તા પર ઉતરી આવ્યા છે. જે સંદર્ભે ઠેક ઠેકાણે વિરોધ પ્રદર્શન થયા છે. આજે બુધવારે સવારે ૧૧:૩૦ કલાકે NSUI અને યુવા કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે સહી ઝુંબેશ (હસ્તાક્ષર અભિયાન) ચલાવવામાં આવ્યું હતું. જે ગુજરાતની દરેક યુનિવર્સિટીમાં ચલાવવામાં આવશે.

આ અભિયાનમાં યુવા કોંગ્રેસના પ્રદેશ મંત્રી સુભાન સૈયદની આગેવાની હેઠળ અનેક લોકોએ ભાગ લીધો હતો. અને પોતાના હસ્તાક્ષર કરીને વિરોધ નોંધાવ્યો હતો. તથા આ કાર્યક્રમમાં સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી નારા પણ લગાવવામાં આવ્યા હતા. (વીડિયો અંતમાં દર્શાવ્યો છે)

સુભાન સૈયદ જણાવે છે કે, બિનસચિવાલયની પરીક્ષામાં ૩૯ સેન્ટરો પર ગેરરીતી થઈ હોવાના પુરાવા સરકાર સમક્ષ મુકવામાં આવ્યા છે. જેની સંખ્યા વધારે પણ હોઈ શકે છે. પરંતુ સરકાર દ્વારા હજી સુધી કોઈ જ સંતોષજનક કાર્યવાહી કરવામાં નથી આવી. અને જ્યારે વિદ્યાર્થી ન્યાય માગે છે ત્યારે સરકાર ન્યાયના બદલે લાઠી આપે છે. આ સરકારની તાનાશાહી છે જે બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. અને જો સરકાર હોંશમાં આવીને આ તાનાશાહી બંધ નહીં કરે તો સરકારને ઘેર બેસવું પડશે.અને સરકારની આ જ તાનાશાહી સામે NSUI અને યુવા કોંગ્રેસ મેદાને છે. અને હંમેશા વિદ્યાર્થીઓની સાથે છે. સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં NSUI અને યુવા કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ઉગ્રથી અતિઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે.