મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ: રાજકોટની ભાગોળે તરઘડી નજીક ટ્રકે બાઇકને અડફેટે લેતા બે આશાસ્પદ વિદ્યાર્થીઓનાં મોત થયા છે.  આ અંગે મળતી વિગત મુજબ રાજકોટના તરઘડી નજીક ટ્રક ચાલકે  બાઇકને ટક્કર મારતાં બાઇક સવાર વિદ્યાર્થી શક્તિસિંહ જાડેજા અને લકીરાજસિંહ ઝાલાનાં ઘટના સ્થળે મોત થયા છે. ઘટના બાદ ટ્રક ડ્રાઇવર ટ્રક મૂકીને  નાસી ગયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.    

બંને મિત્રો બાઇક લઈને આવી રહ્યા હતા ત્યારે ટ્રક સાથે બાઇકનું ઘડાકાભેર એક્સિડેન્ટ થયું  હતું. આ ઘટનામાં માથા સહિતના ભાગે ગંભીર ઇજાઓ થતાં બંને મિત્રોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા સ્થાનિકો એ એમ્બ્યુલન્સને બોલાવી અને યુવાનોને  સારવાર અપાવે તે પહેલાં જ યુવાનોનું પ્રાણનું પંખેરૂં ઉડી ગયું હતું.    નાની ઉંમરે કાળમુખા ટ્રકની ટક્કરે રાજકોટના આશાસ્પદ યુવાનોના મોત  થયા હોવાની જાણ થતાં જ પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. મૃતક શક્તિસિંહ જાડેજા અને લકીરાજસિંહ ઝાલા ધ્રોલમાં રહેતા હતા. 

બંને યુવાનોના મૃતદેહોને સરકારી હૉસ્પિટલમાં લઈ જઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન ટ્રક ચાલકને શોધવાની તજવીજ પણ હાથ ધરાઈ છે.