મેરાન્યૂઝ નેટવર્ક.પટણાઃ બિહાર વિધાનસભામાં 240 વર્તમાન ધારાસભ્યોમાંથી 136ની એટલે કે 55 ટકા ધારાસભ્યો પર ગુનાઓ દાખલ થયેલા છે. 94 ધારાસભ્યો એટલે કે 39 ટકા ધારાસભ્યો સામે તો ગંભીર ગુનાઓ દાખલ છે. 160 ધારાસભ્યો એટલે કે 67 ટકા કરોડપતિ છે. એસોશિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મસ (એડીઆર) અને બિહાર ઈલેક્શન વોચની સોમવારએ જાહેર થયેલી રિપોર્ટમાં તે અંગેની જાણકારી આપવામાં આવી છે. આ રિપોર્ટમાં ધારાસભ્યો દ્વારા જાહેર નાણાકીય, ગુનાહીત, શિક્ષણ અને અન્ય બાબતોની જાણકારી આપવામાં આવી છે.

11 ધારાસભ્યો સામે હત્યાના કેસ છે, 30 ધારાસભ્યો પર હત્યાના પ્રયાસ અંતર્ગતના કેસ છે, 5 ધારાસભ્યો પર મહિલાઓ સામેના અત્યાચારના કેસ છે, આ પાંચમાંથી એક ઉપર તો બળાત્કારનો કેસ પણ દાખલ છે. રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના 80 માંથી 45 ધારાસભ્યો, જનતા દળ યૂનાઈટેડ (જેડીયૂ)ના 69માંથી 34, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના 54 માંથી 34 ધારાસભ્ય, કોંગ્રેસના 25 માંથી 14 ધારાસભ્યો, લોક જનશક્તિ પાર્ટી (લોજપા)ના 2માંથી 2 ધારાસભ્ય, કમ્યૂનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ-એમએલ-એલ)ના 3માંથી 3 ધારાસભ્ય અને 5 અપક્ષ ધારાસભ્યો સામે ગુનાઓ દાખલ હોવાની જાણકારી મળી છે.

ઉપરાંત દરેક ધારાસભ્યની સરેરાશ સંપત્તિ 3.06 કરોડ છે. આરજેડીના 80 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 3.02 કરોડ છે, જેડીયૂના 69 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 2.79 કરોડ છે. ભાજપ 54 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 2.38 કરોડ રૂપિયા છે. કોંગ્રેસના 25 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 4.36 કરોડ રૂપિયા છે. આંકડાઓ પર નજર કરીએ તો 240માંથી 46 ધારાસભ્યોએ આવક અંગે હજુ જાહેરાત કરી નથી. 

ભણતરની વાત કરીએ તો 94 ધારાસભ્યો તો ફક્ત ધોરણ 5થી 12 સુધી જ ભણેલા છે. 134 ધારાસભ્યોએ સ્નાતક સુધી અને તેનાથી વધુનું ભણતર હોવાનું જાહેર કર્યું છે. હજુ 9 ધારાસભ્યોએ પોતાના શિક્ષણની વિગતો જાહેર કરી નથી. ઉંમરમાં પણ 128 ધારાસભ્યોની ઉંમર 25થી 50 વર્ષ સુધીની છે જ્યારે 112 ધારાસભ્યો એવા છે જેમની ઉંમર 51થી 80 વર્ષની વચ્ચેની છે. 240 ધારાસભ્યોમાંથી માંડ 28 ધારાસભ્યો મહિલાઓ છે.