મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં નગરપાલિકાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસના કામોની ગ્રાન્ટમાંથી વિકાસના કામો ઓછા અને કૌભાંડ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. વારંવાર કૌભાંડની બૂમો ઉઠવા છતાં નેતાઓ અને અધિકારીઓ માટે “સબકા સાથ સબકા વિકાસ” બની રહેતા કૌભાંડોની હારમાળા સર્જાઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સ્ટ્રીટ લાઇટો ના પોલ મા મોટી ગેરરીતિ થઇ હોવાનું બહાર આવ્યું છે. તો જવાબદારો સામે જવાબદાર તંત્ર પગલાં ભરવામાં આવે તેવી માંગ પણ નગરજનોમાં ઉઠી છે. ત્યારે તંત્ર સમગ્ર કૌભાંડ પર ઠંડુ પાણી રેડી દેવા માટે મથામણ કરી રહ્યું હોવાની ચર્ચાએ નગરજનોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે.

પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં આવેલા મત્સ્ય ઉધોગ કેન્દ્રથી વણઝારા વાસ તરફ જતાં રસ્તા ઉપર તથા નવાધરાથી માર્કડેશ્વર મહાદેવ સુધી સ્ટ્રીટ લાઇટના પોલ વિકેન્દ્રીત જીલ્લા આયોજનની ગ્રાન્ટ વર્ષ ૨૦૧૮-૧૯ હેઠળ વિજળીનું કામ માટે નવાધરાથી માર્કડેશ્વર મહાદેવ સુધી ૪,૮૦,૦૦૦ તથા મત્સ્ય ઉધોગ કેન્દ્રથી રામદેવ નગર સુધી ૪,૫૦,૦૦૦ મળી કુલ-૯,૩૦,૦૦૦ ના કામમાં ગેરરીતિ થઇ હોવાનું જણાતા નગરપાલિકાના જ કોર્પોરેટર પાલિકા સામે તથા પાલિકાના એન્જીનીયર સામે બોયો ચઢાવી છે કે એન્જીનીયર દ્વારા તપાસ કર્યા વગર બીલ કઇ રીતે પાસ કર્યું.

નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન અરવિંદભાઇ પરમારે તો ઉભા કરેલા વિજ પોલને બહાર કઢાવી તેનું વજન પંચોની સાક્ષીમાં કરવામાં આવ્યું હતું. જેમાં ૩૧ કિલોના વજનની જગ્યાએ માત્ર ૨૧,૭૦૦ નું વજન નિકળ્યું તો ઉભા કરવામાં આવેલા ૩૦ થાંભલા ગેલવેનાઇઝના બદલે લોખંડના પાઇપ ઉપર કલર કરેલા છે. પાવડર કોટીંગ પણ હતું નહીં અને ડેઝેલ ટેકનોલોજી હિંમતનગર અને નગરપાલિકાના એન્જીનીયર તથા કેટલાક કોર્પોરેટરોની મીલી ભગત હોય તેવું હાલ તો જણાઇ આવે છે. તો શું નગરપાલિકા એન્જીનીયર મેઘનાબેન રાય દ્વારા તપાસ નહીં થઈ હોય, કે તપાસ કર્યા વગર બીલ કઇ રીતે પાસ કર્યું તે પણ એક મોટો સવાલ છે. ત્યારે હાલતો કેટલાક નગરપાલિકા કોર્પોરેટરો તથા નગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેનને જ સામે ચાલીને થયેલી ગેરરીતિ સામે અવાજ ઉઠાવ્યો છે ત્યારે ગેરરીતિ આચરનારાઓ સામે ચીફ ઓફિસર સહિત તંત્ર શું એક્શન લેવામાં આવશે એ તો હવે જોવું રહ્યું.

અમે વીજ પોલનું વજન કરાવ્યું

આ અંગે નગરપાલિકા ચીફ ઓફિસર વિશાલ ભાઇ પટેલને પુછતા તેવો એ જણાવ્યું કે ગેરરીતિ થઇ હોવાનું માલુમ પડતા અમે વીજ પોલનું વજન કરાવ્યું હતું અને તેનું વજન ઓછું નિકળ્યું હતું અને ત અંગે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે પણ હજુ સુધી તેનો જવાબ આવ્યો નથી. તેના જવાબની રાહ જોઇએ છીએ ત્યાર બાદ અમે આગળની કાર્યવાહી ધરીશુ. 

નગરપાલિકા હાલના બાંધકામ સમિતિ ના ચેરમેન અરવિંદભાઇ પરમાર નું શું કહેવું છે કે, સ્ટ્રીટ લાઇટના પોલમાં મોટી ગેરરીતિ થઇ હોવાનું ધ્યાને આવતા ઊભા કરેલા ૩૦  સ્ટ્રીટ લાઇટના  પોલમાંથી એક પોલ બહાર કાઢવામાં આવ્યો હતો. પંચોની સાક્ષીમાં વજન કરતા ૩૧ કિલોના બદલે ૨૧.૭૦૦ નું વજન નિકળ્યું હતું. બીજીબાજુ ગેલવેનાઇઝના બદલે લોખંડની પાઇપો છે અને ખાલી કલર મારી દેવામાં આવ્યો હતો. પાવડર  કોટીંગ પણ નથી જે અંગે ઉપર સુધી મેં રજૂઆતો કરી છે.