પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): 2017માં વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાંત કરતા નિતીન પટેલ નારાજ થઈ ગયા હતા, અને તેમણે મંત્રીમંડળના સભ્ય થવાનો ઈન્કાર કરી દીધો હતો. શીસ્તબધ્ધ કહેવાતી પાર્ટી  માટે આધાતજનક સ્થિતિ હતી. પરંતુ આખા મામલે  પાર્ટી હાઈકમાન્ડને નિતીન પટેલ નારાજ થવા કરતા ઉત્તર ગુજરાતના પટેલો નારાજ થાય તેની ભીતી હતી જેના કારણે કમને નિતીન પટેલ સાથે સમાધાન કરી તેમને નાયબ મુખ્યપ્રધાન પદ આપી મનાવી લીધા હતા.

2021માં પણ જયારે વિજય રૂપાણીને હટાવી પાટીદાર મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય પાર્ટીએ કર્યો ત્યારે પણ મુખ્યમંત્રીની જાહેરાંતના થોડા કલાક પહેલા નિતીન પટેલે મિડીયા સામે આપેલા નિવેદનમાં પાર્ટી દ્વારા તેમની પસંદગી થવી જોઈએ તેવો સુર હતો ,  પણ આનંદીબહેન પટેલની નજીક ગણાતા ઘાટલોડીયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની જાહેરાંતના પગલે હવે ભાજપના આતંરિક રાજકારણમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે. 2017માં પાર્ટીની મજુબરી હતી કે નિતીનભાઈ અને પાટીદારોને ખુશ રાખવા માટે તેમને નાયબ મુખ્યપ્રધાન પદ આપવામાં આવ્યુ પરંતુ હવે ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદ સંભાળે ત્યાર બાદ પટેલની નારાજગીનો પ્રશ્ન ઉદ્દભવતો નથી. રાજયના મુખ્યપ્રધાન પદે જયારે પાટીદાર હોય ત્યારે નાયબ મુખ્યમંત્રી પદે પણ પાટીદાર હોય તેવી સંભાવના ખુબ ઓછી છે. સુત્રોની જાણકારી પ્રમાણે નાયબ મુખ્યપ્રધાન પદ નવા મંત્રીમંડળનો હિસ્સો જ નહીં હોય.

Advertisement


 

 

 

 

 

જો નિતીન પટેલ નાયબ મુખ્યપ્રધાન રહે નહીં તો શુ ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં બીજા નંબરના સૌથી સિનિયર મંત્રી તરીકે બેસવાનું પસંદ કરશે કે નહી તે એક જુદો પ્રશ્ન છે. ખરેખર તો સચિવાલયના કારભાર માટે ભુપેન્દ્ર પટેલ એકદમ નવા છે, ત્યારે તેમને નિતીન પટેલ જેવા અનુભવી અને કાબા મંત્રીના સહયોગની જરૂર છે. પરંતુ પાર્ટી અને ખુદ નિતીનભાઈએ આ અંગે શુ વિચાર્યુ છે તે હજી સ્પષ્ટ નથી. એવી પણ સંભવાના જોવામાં આવી રહી છે હે નિતીન પટેલ મંત્રી મંડળનો હિસ્સો જ નહીં હોય પરંતુ આનંદીબહેન અને વજુભાઈ વાળાની જેમ રાજયપાલ પદ આપી તેમને ગુજરાતને બાય બાય કહેવાની સુચના આપી દેવામાં આવશે. આ જ રીતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મુખ્યપ્રધાન પદ છોડયા પછી હવે તેઓ અને પાર્ટી પોતે પણ તેમને મંત્રીમંડળનો હિસ્સો બને તેવુ ઈચ્છશે નહીં.

વિજય રૂપાણી અને નિતીન પટેલને કેન્દ્રમાં પણ કોઈ મહત્વની જવાબદારી સોંપવવામાં આવે તેવી સંભવના છે કારણ નરેન્દ્ર મોદીની વર્કિગ સ્ટાઈલ પ્રમાણે જેમને પ્રદેશના રાજકારણથી દુર કરવામાં આવે છે તેવા નેતાઓ પ્રદેશમાં રહી નવી નેતાગીરીને પરેશાન કરે નહીં તે માટે તેમને અન્ય રાજય અથવા કેન્દ્રમાં જવાબદારી સોંપી પ્રદેશથી દુર રાખે છે. હોવા જોવાનું રહ્યુ કે વિજય રૂપાણી નવી ભુમીકામાં ટુક સમયમાં જોવા મળશે પરંતુ નિતીનભાઈનું શુ થશે તેનો ઉત્તર સમય જ આપશે.