જયેશ શાહ (મેરાન્યૂઝ.કચ્છ): કચ્છના પાટનગર ભુજમાં આવેલી મહિલા કોલેજમાં 'પિરિયડ્સ' એટલે કે માસિક ધર્મને લઈને મામલો શાંત પડ્યો છે ત્યાં ભુજ મંદિરના પેલા વિવાદિત સ્વામીનો વધુ એક વીડિયો બહાર આવ્યો છે. જેમાં સ્વામીએ મંદિર સંચાલિત સંસ્થામાં માસિક ધર્મને લઈને કેવી કડકાઈ કરવામાં આવે છે તેની વાત કરતા નજરે પડે છે. વર્ષ 2016ની વખતનાં આ વીડિયોમાં સ્વામી પાટીદાર અગ્રણી પ્રવિણ પીન્ડોરિયાનો ઉલ્લેખ કરીને ગૃહમાતા દ્વારા પીરિયડ્સ દરમિયાન દીકરીઓને કેવી રીતે ટ્રીટ કરવામાં આવે છે તેની વાત છે ત્યારે મંત્રી વાસણ આહીરને ઉદ્દેશીને કહે છે કે સંતો ભલે વેલ એજ્યુકેટેડ ન હોય પરંતુ તેમની પાસે ભગવાનનો પાવર હોય છે. આ એ જ સાધુ છે જેનો એક વીડિયો એવો પણ બહાર આવ્યો હતો જેમા તેઓ માસિક ધર્મ ન પાળનાર સ્ત્રી કુતરી અને તેની બનાવેલી રસોઈ આરોગનાર પુરુષ બળદ થાય તેવી વાત કરી હતી.

વર્ષ 2016નાં ભુજ મંદિરનાં એક વીડિયોમાં કૃષ્ણા સ્વરૂપદાસ નામનાં સ્વામી મંદિર સંચાલિત સંસ્થાઓમાં દીકરીઓને શિક્ષણ ઉપરાંત સામાજિક રીતિ-રિવાજ પ્રમાણે ઘડતર કરવામાં આવે છે તેની વાત કરતા જોવા મળે છે. માસિક ધર્મને લઈને ઢીલું પોચું રાખવામાં આવતું નથી એમ કહીને પ્રવિણ પીન્ડોરિયાને પૂછે છે. આટલી વાત કર્યા પછી તેઓ વાસણભાઈનો ઉલ્લેખ કરીને કહે છે કે, સંતો ભલે વધારે ભણેલા-ગણેલા ન હોય પરંતુ તેઓ ભગવાનનાં માણસો હોય છે, અને ભગવાનના માણસ પાસે ભગવાનનો પાવર હોય. આ વીડિયો ઘણો જૂનો છે પરંતુ સ્વામીની આ ક્લિપને કારણે ભુલાયેલો પીરિયડ્સનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.

મંદિરને બદનામ કરવામાં કોને રસ છે

માસિક ધર્મના વિવાદને કારણે દેશભરના મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બનેલા આ કિસ્સામાં હવે જ્યારે બધુ શાંત પડી ગયું છે ત્યારે બહાર આવેલા સ્વામીનાં આ વીડિયો પાછળ કોનુ ભેજુ કામ કરે છે એ પણ નવેસરથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. મંદિર તથા હરિભક્તો સાથે સંકળાયેલા સૂત્રો આ વિવાદ પાછળ એક શિક્ષકનો હાથ હોવાનું માની રહ્યા છે. જિલ્લા કક્ષાનાં એક અખબાર સાથે સંકળાયેલા અખબારના પ્રતિનિધિ હોવાને કારણે તે શિક્ષકનું મંદિર ઉપર સારું એવુ વર્ચસ્વ હતું, પરંતુ કચ્છનાં લેઉવા પટેલ સમાજની સંસ્થાઓમાંથી તેની બાદબાકી થઈ જતા તેને અખબારના જોરે પોતાનું અસ્તિત્વ બતાવવા માટે સમાજની સંસ્થાઓ બદનામ થાય તે માટે ઇરાદાપૂર્વક માસિક ધર્મનાં વિવાદને હવા આપી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.