જયેશ શાહ (મેરાન્યૂઝ.કચ્છ): કચ્છનાં ભુજમાં મેડિકલ સ્ટુડન્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તે વાત કરતા તેને બચાવવા માટે જે રીતે શામ-દામ-દંડ ભેદનો ઉપયોગ કરવામાં આવ્યો તે વાતથી કચ્છી માડુઓ હક્કા બક્કા થઈ ગયા છે. કાયદા અને નિયમોનાં ચીંથરા ઉડાવતી આ ઘટના એટલી હદે વણસી ગઈ હતી કે તેમાં ગુજરાત સરકારનાં એક મંત્રીને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. કચ્છ ભાજપનાં પૂર્વ અધ્યક્ષ અને ધારાસભ્ય રહી ચૂકેલા એક નેતાએ આખી રાત જાગીને ખેલ પૂરો પાડતા પોલીસ ફરિયાદમાંથી યુવતીના પિતા અને અંકલનું નામ બાકાત રાખવામાં આવ્યું હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે.

ભુજમાં રહેતી અને મુંબઈમાં તબીબી અભ્યાસ કરતી યુવતીનો કોરોના રિપોર્ટ બહાર આવતા ગઈકાલ રાતથી સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં કચ્છમાં સ્થાનિક કક્ષાએથી માંડીને છેક ગાંધીનગર સુધી વગ વાપરવામાં આવી હતી. સૌ પ્રથમ તો પોલીસ ફરિયાદ જ ન થાય તે માટે તડજોડ કરવામાં આવી હતી. પરંતુ કચ્છનાં કડક અને પ્રામાણિક આઇપીએસ અધિકારીઓ દ્વારા મચક ન આપતા યુવતીની જ્ઞાતિનાં જ એક પૂર્વ ધારાસભ્ય ધ્વારા ગાંધીનગર દબાણ કરવામાં આવ્યું હતું. સત્તા પક્ષનાં પૂર્વ જિલ્લા અધ્યક્ષ રહી ચૂકેલા નેતાનાં દબાણને કારણે એક મંત્રીએ સમગ્ર મામલામાં હસક્ષેપ કર્યો હતો. જેને કારણે છેવટે પોલીસ ફરિયાદમાં માત્ર યુવતીનું જ નામ નાખવામાં આવ્યું હતું. ગાંધીનગરથી ભુજ સુધીનાં દબાણને કારણે ફરિયાદ પણ મધરાત બાદ નોંધવામાં આવી હતી. સમગ્ર મામલો મીડિયામાં ચમકી જતા યુવતી તથા તેના પરિવારનાં 'પ્રેમ'માં પાગલ કચ્છનાં આરોગ્ય વિભાગનાં એક ઉચ્ચ અધિકારીએ પણ હાથ ખંખેરી લીધા હતા. 

બીજી તરફ યુવતી મુંબઈથી આવ્યા પછી પણ બેખોફ ભુજમાં ફરી હોવાને કારણે પોલીસે તેના સંપર્ક શોધવા માટે ભુજ શહેરનાં સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કરી દીધું હતું.

મુંબઈથી ભુજ આવવા માટે 50 હજારમાં સોદો કરેલો

કોરોના મહામારી વચ્ચે રેડ ઝોનમાં આવેલા મુંબઈથી પોતાની દીકરીને ભુજ લાવવા માટે આ પહોંચેલા વેપારી પરિવારે નાણાં કોથળી ખુલ્લી મૂકી દીધી હતી. સૂત્રોનું માનીએ તો ભુજથી ભુજ વાયા મુંબઈની આ ટ્રીપ માટે ઇનોવા કારનાં ખેંગાર રબારી નામનાં ચાલકને અડધા લાખની એટલે કે પચાસ હજારનું ભાડું ચુકવણું કરવામાં આવેલું છે. આમ પુત્રી મોહમાં પાગલ પરિવારે ભુજનાં લોકોનાં જીવની સહેજપણ પરવા કર્યા વિના કરેલા કૃત્યને કારણે ભયનો માહોલ ફેલાય ગયો છે.