જયેશ શાહ (મેરાન્યૂઝ. કચ્છ): મૂળ કચ્છ ભુજના એક યુવાને પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કરીને બોગસ દસ્તાવેજથી ભારતમાં ઘુસાડવાનો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. યશ ચોપરાની હિન્દી ફિલ્મ 'વીરઝારા'ના પ્લોટને મળતી આવતી આ લવ સ્ટોરીમાં પણ પાકિસ્તાનનું લાહોર શહેર આવે છે. જેમાં કેરોલ નામની બે સંતાનની માતા એવી મૂળ પાકિસ્તાની યુવતીને સોશિયલ મીડિયા મારફતે મૂળ કચ્છના એવા સુજીત નામના કેરાલિયન યુવક સાથે પ્રેમ થઈ જાય છે અને અહીંથી જ શરૂ થાય છે કહાની. જેમાં છેવટે સુજીતના મોત બાદ કેરોલને જેલમાં જવાનો વારો આવે છે.
પાકિસ્તાનના લાહોરમાં જન્મેલી 38 વર્ષની ખુબસુરત કેરોલ પેટ્રીકના લગ્ન લાહોરના જ નોમાન જુલિયસ ગુલામ નામના વ્યક્તિ સાથે થયા હતા. જેનાથી તેને બે સંતાન પણ હતા. સમય જતા કેરોલ અને નોમાન વર્ષ 2015માં ડિવોર્સ આપી અલગ પડી જાય છે. દરમિયાન કેરોલ નામની આ યુવતી મૂળ કચ્છના કેરાલિયન પરિવારના યુવક સુજીત પુન્નીલેથુના સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવે છે. બંન્ને ક્રિશ્ચિયન હોવાને કારણે લગ્ન કરવા માટે આગળ તો વધે છે પરંતુ બંનેના દેશ અલગ હોવાને કારણે મામલો ઘોંચમાં પડે છે. દરમિયાન આ પાકિસ્તાની યુવતી આઈડિયા લગાવીને લાહોરથી નેપાળ આવે છે અને સુજીત તેને નેપાલથી દિલ્હી થઈને અમદાવાદ લઈ આવે છે. અમદાવાદ લાવ્યા પછી તેને ભારતીય બનાવવા માટે સુજીતને તેનું મૂળ વતન કચ્છ વધુ સેફ લાગે છે. એટલે તેને કચ્છમાં લાવીને તેના ભારતીય ડોક્યૂમેન્ટ બનાવીને ભુજમાં તેની સાથે લગ્ન કરી લે છે. માત્ર લગ્નના દસ્તાવેજ જ નહીં પરંતુ ઇન્ડિયન પાસપોર્ટ તૈયાર કરવા માટે પાકિસ્તાનના લાહોરમાં જન્મેલી કેરોલને ભુજમાં 30મી જૂન,1982માં જન્મી હોવાનાં પુરાવા પણ ઉભા કરી દે છે. અને આમ એક મૂળ પાકિસ્તાની યુવતીને પ્રેમમાં પાગલ બનેલો ભારતીય યુવાન કાયદાને કોરાણે મૂકીને ભારતીય બનાવી દે છે.
 
 
 
 
 
સુજીત સાથે લગ્ન કરીને આ યુગલ અમદાવાદ ચાલ્યું જાય છે. પરંતુ તે દરમિયાન અગાઉથી પરિણીત સુજીતને તેની પહેલી પત્નીનો ભાઈ એટલે કે સાળો આડો આવે છે. સુજીતનું સપ્ટેમ્બર મહિનામાં કોરોનાને કારણે મરણ થાય છે અને આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે ગુજરાત હાઇકોર્ટમાં પોતાની ભાણીને મેળવવા માટે તેનો મામો હેબિયસ કોરપ્સની અરજી કરે છે. કચ્છના આદિપુરમાં રહેતી અને ટેક્નિકલ કોલેજમાં નોકરી કરતી બીના નામની મહિલાના ભાઈએ તેના બનેવી સુજીતની બીજી પત્ની કેરોલ પાસેથી પોતાની ભાણીને મેળવા હાઇકોર્ટનો સહારો લેતા શરૂ થાય છે એક પાકિસ્તાની યુવતીની ભારત આવવાની દાસ્તાન. અને એક પછી એક તમામ કડીઓ બહાર આવતી જાય છે અને મામલો અમદાવાદ પોલીસનાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) પાસે પહોંચે છે. કેસની તપાસ કરી રહેલા એસીપી બળવંતસિંહ સી. સોલંકીનાં જણાવ્યા પ્રમાણે તેમની એક ટીમ હાલ કચ્છમાં કેરોલ અને સુજીતનાં લગ્ન સંબંધી તપાસ કરી છે. કેરોલ સામે પોલીસે પાસપોર્ટ અને વિજા સંબંધી ગુના ઉપરાંત બોગસ દસ્તાવેજ તૈયાર કરવાનો ગુનો નોંધ્યો છે અને બોગસ દસ્તાવેજ તૈયાર કરવામાં કચ્છમાં કોણે તેમનો સાથ આપ્યો હતો તેની તપાસ કરવામાં આવશે તેમ એસીપી સોલંકીએ વધુમાં જણાવ્યું હતું.
જાસૂસીના એંગલની પણ તપાસ થશે
કચ્છમાં ડિફેન્સને લગતા ઈન્સ્ટોલેશન આવેલા છે ત્યારે પાકિસ્તાનની યુવતી કચ્છમાં આવીને ભારતીય બની જાય ત્યારે ઇન્ટેલિજન્સ એજન્સીઓ ચોંકે એ સ્વાભાવિક છે. કેરોલના કિસ્સામાં પણ અમદાવાદથી માંડીને કચ્છની એજન્સીઓ કામે લાગી ગઈ છે. જોકે કયાંક ને કયાંક કચ્છ સ્થિત સેન્ટ્રલ એજન્સીઓ આ મામલે ગાફેલ હોવાનું પણ સૂત્રો દાવો કરી રહ્યા છે. કારણ કે આ મામલે સુજીતની પત્નીનો ભાઈ એટીએસથી માંડીને ગુજરાત પોલીસમાં વિવિધ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરી ચુક્યો હતો. છેવટે મામલો હાઇકોર્ટમા જતા આ ઘટસ્ફોટ થયો હતો. જેને પગલે ભુજમાં આવેલી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસના અધિકારીઓની બેદરકારી સાફ દેખાઈ આવે છે. જે વાત કચ્છનો સમગ્ર કેરાલિયન સમાજ જાણતો હતો તેનાથી એજન્સીના અધિકારીઓ સાવ બેખબર રહ્યા હતા. બીજી બાજુ આ કેસનું સુપરવિઝન કરી રહેલા એસીપી સોલંકી કેરોલના પ્રકરણમાં જાસૂસીનું કોઈ એંગલ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. પરંતુ જે રીતે બે સંતાનની માતા કેરોલ ભારતમાં આવીને લગ્ન કરે છે અને અહીં પણ સુજીતનાં સંતાનની માતા બનીને રહે છે તેને જોતા જાસૂસી અંગેનો કોઈ તાર મળવાની શક્યતા હાલ તો નહિવત લાગે છે. પોલીસ તપાસમાં કેરોલ આરબ દેશોમાં ધંધા અર્થે સંકળાયેલી હોવાનું પણ બહાર આવ્યું છે ત્યારે આ પ્રકરણમાં આગળ શું વળાંક આવે છે તો દારોમદાર પોલીસની તપાસ ઉપર રહેલો છે.