મેરાન્યૂઝ નેટવર્ક.ભુજઃ કચ્છ ભુજમાં ચાંચિયા અધિકારીઓએ તંત્રને ઉધઈની જેમ ખોખરુ કરી મુક્યું છે. જોકે હજુ પણ એવા કેટલાક અધિકારીઓ-કર્મચારીઓ છે કે જેમની પ્રામાણિક્તા અને નવી સુજબુજને કારણે તંત્રમાં વખતે વખતે પ્રાણ ફૂંકાતો રહે છે. હાલમાં જ વાત કરીએ તો ખુદ નશાબંધી અધિક્ષક જ રૂપિયા 2000ની લાંચ લેતા પકડાયા છે. આ અધિકારી દારુ પીવા માટેની પરમીટના કામ માટે રૂપિયા 2000થી 5000 સુધીની માગણી કરતાં હતા. જેવો પરમીટ લેનારો તેવો ભાવ. આ બાજુ હિંમતનગર ખાતે કાંકણોલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને કોર્ટે લાંચ લેવા મામલે સજા ફટકારી છે.

નશાબંધી અધિક્ષક આલાભાઈ મોહનભાઈ પરમાર (ઉં.53) મહેસાણા અહીં નશાબંધી આબકારી કચેરી ભૂજ ખાતે ચાર્જમાં ચાલતા હતા. થોડા વખતોથી એસીબી (એન્ટી કરપ્શન બ્યૂરો)ને માહિતી મળી રહી હતી કે ભુજમાં નશાબંધી કચેરીમાં જ પ્રોહીબીશનની પરમીટ રિન્યુ કરવા માટેના પરમિટ ધારકો પાસેથી રૂપયા 2થી 5 હજારની લાંચ માગવામાં આવે છે.

આ અંગે એસીબીના આસી. ડાયરેક્ટર કે એચ ગોહીલ અને પીઆઈ એમ જે ચૌધરી સહિતનાઓએ એક છટકું તૈયાર કરવાનું નક્કી કર્યું. કે એચ ગોહિલના સુપરવિઝન હેઠક એમ જે ચૌધરીએ કામગીરી શરૂ કરી. તેમને આ ટ્રેપ માટે એક સામાન્ય વ્યક્તિની મદદ પણ મળી. જે વ્યક્તિએ પોતે પોતાની પરમીટ કઢાવવાની છે તેવી રીતે નશાબંધી કચેરીમાં ગયા. જ્યાં આલા પરમારે આ કામ માટે 2 હજાર રૂપિયા થશે તેવું કહેતા પોતે તે આપવાની તૈયારી દર્શાવી હતી. જેને પગલે જ્યારે તે વ્યક્તિએ તેમને રૂપિયા 2000 આપ્યા ત્યારે જ ત્યાં એસીબી આવી પહોંચી જેને કારણે પરમાર ધ્રુજી ગયા હતા. હવે પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિંમતનગરના લાંચિયા તલાટી કમ મંત્રીને ફટકારી સજા

ઉલ્લેખનીય છે કે, હિંમતનગર ખાતે કોર્ટે કાંકણોલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી નારાયણ કચરાભાઈ ખાંટને લાંચ કેસમાં સજા ફટકારી છે. તેણે જમીનના મામલે 500 રૂપિયાની લાંચ લીધી હતી. જે લાંચ પણ એસીબીનું જ ઊભું કરેલું છટકું હતું. નારાયણ સમજી શક્યો નહીં અને છટકામાં ભરાઈ ગયો. તેણે માત્ર 500 રૂપિયા જેવી કિંમતમાં પોતાની આબરુ પણ જાહેરમાં ઉછાળી દીધી હતી. આ અંગે એસીબીએ પણ પુરતું કાગળ કામ અને પુરાવાઓ એકત્રિત કર્યા હતા જેને કારણે વર્ષ 2009ના આ કેસમાં કોર્ટે હવે લાંચિયા તલાટી કમ મંત્રી નારાયણ ખાંટને સજા ફટકારી છે. કોર્ટે તેને અનધ. ૧૯૮૮ની કલમ ૭, ૧૩ (૧) (ડી) તથા ૧૩ (૨) અન્વયેના ગુનાના કામે કલમ ૭ અન્વયે ૧ ર્વર્ષની સજા તથા રૂ. ૧૦,૦૦૦/- દંડ, દંડ ન ભરે તો ૧ માસની સાદી કેદની સજા તથા કલમ ૧૩ (૨) તથા ૧૩ (૧) (ડી) મુજબના કામે આરોપીને ૩ ર્વર્ષની સજા તથા રૂ.૧૦,૦૦૦/- દંડ, દંડ ન ભરે તો ૬ માસની સાદી કેદની સજાનો હુક ફટકાર તાં લાંચિયાઓ માટે આ દાખલો બેઠો છે.