મેરાન્યૂઝ નેટવર્ક, ભુજ: પોલીસકર્મીના બૂટલેગર પુત્રએ સપ્લાય કરેલ 29 બોટલ દારૂ સાથે વચેટિયાને પોલીસે ઝડપી લીધો છે. જ્યારે તેની સાથે આવેલ અન્ય એક આરોપી ફરાર થઇ ગયો હતો. ભુજ પોલીસે આ મામલે કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભુજ કેમ્પ વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ પંકજકુમાર કુસ્વાહાએ બાતમીના આધારે ભુજ કેમ્પ એરિયામાં દરોડો પાડ્યો હતો અને સાજીદ સતાર નોડે નામના શખ્સને ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ નંગ 29, કિંમત રૂ. 10,150 સાથે ઝડપી લીધો હતો. આ દરમિયાન એક શખ્સ ફરાર થઇ ગયો હતો જેની ઓળખ રિઝવાન રમજુ ઓઢેજા તરીકે કરવામાં આવી છે.

પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં સાજીદ નોડેએ જણાવ્યુ હતું કે આ દારૂનો જથ્થો બૂટલેગર અને પોલીસકર્મીના પુત્ર કુલદિપસિંહ ઝાલાએ તેને આપ્યો હતો. જેથી પોલીસે ફરાર કુલદિપસિંહ, રિઝવાન અને સાજીદ સામે ગુનો દાખલ કર્યો છે તથા ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર છ મહિના પહેલા બૂટલેગર કુલદિપસિંહ ઝાલા કારમાં દારૂની ડિલીવરી કરવા માટે આવ્યો હતો આ દરમિયાન તે ફરાર થઇ ગયો હતો પરંતુ દારૂ ઝડપાઇ ગયો હતો. આ મામલે બી ડિવિઝનના એક પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.