મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં સતત ક્રાઈમ રેટ નો વધારો થઈ રહ્યો છે માનવ સમાજમાં ધીરજ ખૂટી હોય તેમ નજીવી બાબતે જીવલેણ હુમલો કરી દેતા હત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ભિલોડાના મહેરૂ ગામે ઘર આગળ રસ્તામાં પાણીની ટાંકી મૂકી રાખતા અડચણ રૂપી ટાંકી અંગે રસ્તા પરથી પસાર થતા ૩૦ વર્ષીય યુવક અર્જુનભાઈ સળુભાઈ ભગોરાએ ઘર માલિકને કહેતા માતા-પુત્ર અને બહેને જીવલેણ હુમલો કરી કુહાડીના ઘા ઝીંકી હત્યા કરતા ભારે ચકચાર મચી હતી. પતિને બચાવવા દોડેલી પત્નીને પગના ભાગે માર મારી ફરાર થઈ ગયા હતા. હત્યાની ઘટનાની જાણ ભિલોડા પોલીસને થતા પી.એસ.આઈ સંગાડાએ મૃતકની લાશને પી.એમ માટે ખસેડી ખસેડી હત્યાના ત્રણે આરોપીને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ૩૦ વર્ષીય યુવકની હત્યાના પગલે ત્રણ નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

ભિલોડાના મહેરૂ ગામે રવિવારનો સાંજનો સમય રક્તરંજિત બનતા કાકાને ભત્રીજા, કાકી અને ભત્રીજીએ ભેગા મળી કુહાડીના અને લાકડીના ઘા ઝીંકી હત્યા કરી દેતા હાહાકાર મચ્યો હતો. મહેરૂ ગામે અર્જુનભાઈએ તેમના ભત્રીજા જગદીશભાઈએ રસ્તામાં ઘર આગળ પાણીની ટાંકી મુકી રાખતા અડચણરૂપી ટાંકી હટાવવા કહેતા જગદીશભાઈ અમૃતભાઈ ભગોરા ઉશ્કેરાઈ જઈ અર્જુનભાઈના માથામાં કુહાડીનો ઘા ઝીંકી દીધા, શારદાબેન અમૃતભાઈ ભગોરા (માતા) અને વિમળાબેન અમૃતભાઈ ભગોરા (બહેન) લાકડીઓ લઈ તૂટી પડતા પતિને બચાવવા પહોંચેલા લીલાબેનને પણ લાકડીના પગના ભાગે ઘા મારી ઇજા કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં અર્જુનભાઈનું મોત થઈ જતા ભારે ચકચાર મચી હતી.

હત્યાના પગલે આજુબાજુ થી ગામલોકો દોડી આવ્યા હતા. ભિલોડા પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે ધસી આવી મૃતકની લાશને પી.એમ માટે ભિલોડા ખસેડી મૃતકની પત્ની લીલાબેન અર્જુનભાઈ ભગોરાની ફરિયાદના આધારે ૧) જગદીશ અમૃતભાઈ ભગોરા, ૨) શારદાબેન અમૃતભાઈ ભગોરા, ૩) વિમળાબેન અમૃતભાઈ ભગોરા સામે ઈપીકો કલમ ૩૦૨, ૩૨૩, ૧૧૪ તથા જીપીએકટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધી ત્રણે ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.