મેરાન્યૂઝ નેટવર્ક.ભિલોડાઃ  ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસાના કિસ્સા ડામવા અને તાત્કાલિક મહિલાઓને બચાવ અને સલાહ માર્ગદર્શન તથા મહિલાઓ, યુવતીઓની થતી રંજાડ સામે મદદ પુરી પાડવા ૧૮૧ અભયમ હેલ્પલાઈની શરૂઆત કરવામાં આવી છે. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે અનેક લોકોના ઘર સંસાર તૂટતાં બચાવ્યા છે.તો અનેક મહિલાઓ અને યુવતીઓની રંજાડ કરતા શખ્શોને કાયદાકીય પાઠ પણ ભણાવ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના કિશનગઢ ગામે મહિલાના આક્ષેપ પ્રમાણે તેનો પતિ અને સાસુ સસરા માનસિક ત્રાસ આપતા હોવાની સાથે પતિ તેની પત્નીને વારંવાર ઘરમાં પુરી દેતો હોવાથી અને મહિલાના પરિવારજનોને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાની બહેને ૧૮૧ અભયમની મદદ લેતા અરવલ્લી અભયમ ટીમ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ઘરમાં કેદ રહેલી મહિલાને છોડાવી હતી. મહિલાએ પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા ભિલોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ફરિયાદની વિગતો અનુસાર, ભિલોડા તાલુકાના બાવળીયા-ટોરડા ગામની જશોદાબેનના લગ્ન સામાજિક રીતરિવાજ મુજબ કિશનગઢના પ્રભુદાસ કાળીદાસ ભેંસા સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવનના થોડા સમય પછી પ્રભુદાસએ તેમની પત્ની પર વહેમ રાખી ઘરમાં પુરી દેતો હતો. તેમજ માનસિક શારીરિક ત્રાસ આપવાનો શરુ કર્યો હતો. લગ્ન જીવન દરમિયાન ૪ બાળકોનો જન્મ થતા મહિલા લગ્ન સંસાર ટકાવી રાખવા અને બાળકોના ભવિષ્યને લઈને સહન કરતી હતી. તેનો પતિ વારંવાર મહિલાને ઘરમાં પણ પુરી દેતો હતો. મહિલાના સાસુ સસરા પણ મહિલા વિરુદ્ધ પતિની ઉશ્કેરણી કરી  શારીરિક ત્રાસ આપતા હતાં. મહિલાનો પતિ આટલેથી ન અટકતા તેની પત્નીના પરિવારજનો ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતો રહેતો હતો. તેમ છતાં તેમની દીકરીનો ઘર સંસાર તૂટે નહીં એટલે સહન કરતા હતા. છેલ્લા થોડાક દિવસોથી મહિલાને ઘરમાં પુરી રાખતા મહિલાની બહેને આખરે મુંગા મોઢે સહન કરતી બહનને માનસિક અને શારીરિક ત્રાસમાંથી છોડાવવાનો નીર્ધાર કરી ૧૮૧ અભયમની મદદ લેતા હેલ્પલાઈન પર સમગ્ર ઘટનાનું વર્ણન કરતા અરવલ્લી ૧૮૧ અભયમ ટીમને જાણ કરવામાં આવી હતી.

અરવલ્લી ૧૮૧ અભયમ ટીમના કાઉન્સિલર શિલ્પા ગામીત , કોન્સ્ટેબલ ઈલાબેન ,પાયલોટ વિક્રમભાઈ તાબડતોડ કિશનગઢ પહોંચી હતી અને ઘરમાં પુરી રાખવામાં આવેલા જશોદાબેનને મુક્ત કરાવ્યા હતા અને મહિલાને હિંમત આપતા મહિલાએ ૧૦ વર્ષથી માનસિક અને શારીરિક ત્રાસ આપતા પતિ અને સાસુ સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનું જણાવતા મહિલા સાથે ભિલોડા પોલીસ સ્ટેશન પહોંચી મહિલાની ફરિયાદ નોંધાવી હતી મહિલાએ તેના પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ભિલોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.