મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ લોકસભા-૨૦૧૯ની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમની પડતર માંગણીઓ લઈને ચૂંટણી બહિષ્કારનું એલાન આપતા અને વિરોધ પ્રદર્શન કરતાં રાજકીય પક્ષોમાં દોડધામ મચી હતી. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર ચાલી રહી છે ત્યારે સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના ભાજપ પક્ષના મોવડીમંડળે અને ભાજપ સાથે સંકળાયેલા અગ્રણીઓએ ખેરાડી-માંધરી ગામના ગ્રામજનોને સાથે બેઠક યોજી સમજાવવામાં સફળ રહેતા બહિષ્કાર પાછો ખેંચી લીધો હતો. ચૂંટણી બહિષ્કાર ભાજપને ફળે છે કે કોંગ્રેસને તેતો મત ગણતરીના દિવસે જ ખબર પડશે...

અરવલ્લી જિલ્લામાં ભિલોડાના બે ખેરાડી અને માંધરી ગામોમાં અગાઉ જુદા જુદા પ્રશ્નોને લઈને ચૂંટણી બહિષ્કારનું એલાન અપાયું હતું. જે તાજેતરમાં ગ્રામજનો સાથે બેસીને નિરાકરણ મળતા અને આગેવાનોએ દરમિયાનગીરી કરતા બન્ને ગામોના મતદારોએ બહિષ્કાર પાછો ખેંચી લેતા હવે સંપૂર્ણ મતદાન કરવા રાજી થયા છે.

તાજેતરમાં ભિલોડાના ખેરાડી અને માંધરી ગામોના આગેવાનો અને ગ્રામજનો પોતાના ગામમાં મળીને સમજાવટથી આ નિર્ણય લીધો હતો. જિલ્લા ભાજપના પ્રમુખ રણવીરસિંહ ડાભી, ગુણવંતભાઈ ત્રિવેદી, સાબરકાંઠા બેન્કના વા. ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી, જિલ્લા ખરીદ વેચાણ સંઘના વા. ચેરમન ભીખાભાઇ પટેલ, ખેરાડી ગામના આગેવાનો, સાબરડેરીના ડિરેક્ટર જેસિંગભાઈ પટેલ,પૂર્વ સરપંચ અરવિંદાબેન પટેલ,  મુખી ઉમાભાઈ ભીખાભાઇ ઠાકોર વગેરે સાથે ગ્રામજનોએ પોતાના પ્રશ્નોની ચર્ચા કરી હતી અને ચૂંટણી એ લોકશાહીનું મહાપર્વ છે ત્યારે મતદાન કરવું દરેક નાગરિકનો અધિકાર છે અને સૌએ આ બાબતનો સ્વીકાર કરી ભાજપના પ્રમુખ રણવીરસિંહ ડાભી અને આગેવાનોની સમજાવટને અંતે બન્ને ગામના લોકો અને મતદારો હવે 23.4.19 ને મંગળવારે 100 ટકા મતદાન કરવાની બાંહેધરી આપી હતી. બંને ગામોમાં થઈ 4000 જેટલા મતદાતા નોંધાયેલા છે.