મેરાન્યૂઝ નેટવર્ક.ભિલોડાઃ લોકડાઉનમાં થોડો સમય થંભી ગયેલ ક્રાઈમરેટ ફરીથી માથું ઉંચકી રહ્યો છે. પોલીસતંત્ર લોકડાઉનની અમલવારીમાં વ્યસ્ત બનતા અસામાજિક તત્વો બેખોફ બન્યા છે. અરવલ્લી જીલ્લામાં વધુ એકવાર રક્તરંજિત ઘટના બનતા ચકચાર મચી છે ભિલોડા તાલુકાના કુડોલ (સુંદરપુર ) ગામે મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં પૈસાની લેતી-દેતીમાં બે સગાં ભાઈઓની સનસનીખેજ હત્યા કરી દઈ નગ્ન અવસ્થામાં બંનેના મૃતદેહ ગામમાં નાખી હત્યારાઓ ફરાર થઈ જતા બે સગા ભાઈઓની હત્યાની ઘટનાની જાણ ભિલોડા પીએસઆઈ કે.કે.રાજપૂત અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

કુડોલ (સુંદરપુર) ગામમાં રહેતા રાજેન્દ્રભાઇ અને વિનોદભાઈ યુસુફ ભાઈ અસારી નામના બે સગા ભાઈઓની હત્યાથી ચકચાર મચી છે રાજેન્દ્રભાઇ અસારી રવિવારે રાત્રે ગામમાં આવેલી કરિયાણાની દુકાને સરસામાન લેવા જતા ગામના આશીર્વાદ દાનિયલ પારઘી અને ચંદ્રેશ ભુરજી કોપસા નામના શખ્સે ઈંટોની મજૂરીના પૈસા અંગે બોલાચાલી કરી તકરાર કરતા ઘરે આવી પરિવારજનોને સમગ્ર ઘટના અંગે વાત કરી હતી થોડીવાર પછી રાજેન્દ્રભાઇ (ઉં.વર્ષ-૪૨) અને તેમના નાના ભાઈ વિનોદભાઈ યુસુફભાઇ અસારી (ઉં.વર્ષ-૩૫) આશીર્વાદ દાનિયલ પારઘી અને ચંદ્રેશ ભુરજી કોપસાને ઠપકો આપવા જતા બંને શખ્શોએ બંને ભાઈઓને બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. હત્યારાઓ આટલેથી ન અટકતા ક્રૂર બની બંને ભાઈઓની લાશને નગ્ન અવસ્થામાં સીમમાં નાખી દઈ ફરાર થઈ ગયા હતા.

પરિવારજનોએ શોધખોળ હાથધરાતા બંને ભાઈઓની હત્યા થયેલી હાલતમાં ગામની સીમમાંથી મૃતદેહ મળી આવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. પરિવારજનોએ આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. બે સગા ભાઈઓની હત્યાની ચકચારી ઘટનાના પગેલે ભિલોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને મૃતકની લાશને પીએમ માટે ખસેડી નિરાલીબેન રાજેન્દ્રભાઇ અસારીની ફરિયાદના આધારે આશીર્વાદ દાનિયલ પારઘી (રહે, કુડોલ-સુંદરપુર) અને ચંદ્રેશ ભુરજી કોપસા (રહે, જુશાવાડા, વિજયનગર, મૂળ રહે, ડબાચા, રાજસ્થાન) વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.