મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં હત્યા,આત્મહત્યાના અને દુષ્કર્મના કેસોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ભિલોડા તાલુકાના કુંડોલપાલ ગામે ત્રણ બાળકોની માતાએ તેના પતિ અને સસરાના અસહ્ય બનેલ ત્રાસથી ત્રાહિમામ પોકારી તેના જ ખેતરમાં આવેલ કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી હતી. મહિલાની આત્મહત્યાના પગલે મહિલાના પિયરપક્ષના લોકો મોટી સંખ્યામાં ભિલોડા કોટેજ હોસ્પિટલ ઉમટ્યા હતા. ભિલોડા પોલીસે મૃતક મહિલાની લાશને પીએમ માટે ખસેડી પતિ અને સસરા વિરુદ્ધ દુષ્પ્રેરણનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. મહિલાની આત્મહત્યાના પગલે પિતા પણ જેલના સળિયા પાછળ ધકેલાતા ત્રણે માસુમ બાળકો નોધારા બન્યા હતા.

ભિલોડા રામપુરી ગામના રત્નાજી બેચરજી તબિયારની પુત્રી ઉર્મિલાબેનના લગ્ન કુંડોલપાલ ગામના શૈલષ હીરાજી ડામોર સાથે ૧૫ વર્ષ અગાઉ સામાજીક રીતરીવાજ મુજબ થયા હતા લગ્નજીવનના શરૂઆતના દિવસોમાં પતિ અને સાસરીપક્ષ તરફથી સારી રીતે રાખ્યા બાદ ત્રણ બાળકોના જન્મ બાદ મહિલાનો પતિ ઉર્મીલાબેનને કોઈની સાથે બોલવા ચાલવા દેતો નહીં અને ઘરની બહાર પણ નહીં નીકળવા દેતો હોવાની સાથે માનસિક અને શારીરિક ત્રાસ આપતા અને મહિલાના સસરા પણ તેમના પુત્રનું ઉપરાણું લેતા હોવાથી અનેક વાર મહિલા રીસાઈ પિયર આવી જતી હતી. પોતાની પુત્રીનો સંસાર બગડે નહીં અને હમણાં જમાઈ સુધરી જશે તેમ સમજી જમાઈને ઠપકો આપી સાસરી મોકલી આપતા હતા.

લગ્નના ૧૫ વર્ષ પછી પણ મહિલાનો પતિ સુધારવાનું નામ ન લેતા સતત માનસિક અને શારીરિક ત્રાસ અપાતો હોવાથી અને તેના સસરા પણ પતિનું ઉપરાણું લેતા હોવાથી અસહ્ય બનેલ ત્રાસથી મહિલાએ બુધવારે રાત્રે બાળકો સુઈ જતા તેના જ ખેતરમાં જઈ પડતું મૂકી મોતને વ્હાલું કરી લેતા ભારે ચકચાર મચી હતી ભિલોડા પોલીસે મહિલાએ આત્મહત્યા કરી લેતા કુડોલપાલ ગામે પહોંચી મહિલાના સસરાની જાહેરાતના આધારે મહિલાના મૃતદેહને પીએમ માટે સરકારી દવાખાને ખસેડાતા આ અંગેની જાણ તેના પિયરપક્ષને થતા તાબડતોડ મોટી સંખ્યામાં ભિલોડા કોટેજ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને મહિલાને આત્મહત્યા કરવા મજબુર કરવામાં આવી હોવાનું પોલીસને જણાવ્યું હતું. 

ભિલોડા પોલીસે મૃતક મહિલાના પિતા રત્નાજી બેચરજી તબિયારની ફરિયાદના આધારે મહિલાના પતિ શૈલેશ હીરાજી ડામોર અને તેના સસરા હીરાજી સગરામભાઈ ડામોર (બંને,રહે.કુંડોલપાલ) વિરુદ્ધ ઇપીકો કલમ ૩૦૬ , ૪૯૮ (ક) અને ૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહિ હાથધરી હતી. ઉલ્લેખનીય છે કે હવે કરમની કઠણાઈ એવી છે કે આ ઘટનાને પગલે ત્રણ માસૂમ બાળકોને પણ માવતર વગરની સજા ભોગવવી પડશે.

[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. દરેક સ્થિતિ એક ગરમ દુધના ઉભરા સમાન હોય છે જે ચોક્કસ સમયે પાછી મૂળ સ્થિતિમાં આવે છે. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. તેમને ફોન કરી મદદ માગી શકો છો.]