મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લામાં છેલબટાઉ યુવાનો યુવતીઓ અને સગીર બાળકીઓને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી ફરાર થઇ જવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભિલોડા તાલુકાના મલાસા ગામે રહેતા એક પરિવારની ૧૭ વર્ષીય સગીરાનું ગામનો જ લંપટ યુવક અને તેનો મિત્ર લગ્નની લાલચ આપી અપહરણ કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી છે. ભિલોડા પોલીસે અપહરણ થયેલી સગીરાના પિતાની ફરિયાદના આધારે ગામનાજ એક યુવક અને તેના મિત્ર સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
 
મલાસા ગામે રહેતા એક પરિવારની ૧૭ વર્ષીય પુત્રી તેના દાદીમાં અને બહેન સાથે રાબેતા મુજબ ઉંઘી ગઈ હતી. સવારે પથારીમાંથી જોવા ન મળતા સગીરાના દાદીએ તેના પીતા અને પરિવારજનોને જાણ કરતા તમામ લોકો સગીરાની શોધખોળમાં લાગી ગયા હતા ત્યારે ગામનો જ દિનેશ કચરાભાઈ ચેનવા તેના મિત્ર અને લાલપુર (બડોલી) ગામના કલ્પેશ શંકરભાઇ ચેનવા સાથે મળી સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો હોવાની જાણ થતા સગીરાના પરિવારજનોના હોશકોશ ઉડી ગયા હતા. આજુબાજુના વિસ્તારોમાં સગીરા પરિવારે અને સગા-સબંધીઓએ સગીરાની શોધખોળ હાથધરી હતી. તેમ છતાં મળી ન આવતા ભિલોડા પોલીસને જાણ કરતા ભિલોડા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમીક તપાસ હાથધરી હતી. 

ભિલોડા પોલીસે અપહત્ય સગીરાના પિતાની ફરિયાદના આધારે ગામના જ દિનેશ કચરાભાઈ ચેનવા અને તેના મિત્ર કલ્પેશ શંકરભાઇ ચેનવા (રહે,લાલપુર-સાબરકાંઠા) વિરુદ્ધ અપહરણ અને પોક્સો એક્ટ કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી અપહત્ય સગીરાને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવવા ચક્રો ગતિમાન કર્યા હતા.