મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીનો ફાયદો ઉઠાવી વિદેશી દારૂનો ગેરકાયદેસર ધંધો કરતા બુટલેગર્સ વિદેશી દારૂમાં અનેક ગણો નફો રળતા હોવાથી વિદેશી દારૂ ઘુસાડવા બ્રાન્ડ ન્યૂ અને લકઝુરિયસ કારનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી પોલીસની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કરતા હોય છે. ભિલોડાના કમઠાડીયા ગામની સીમમાંથી સ્કોર્પિયોમાં 

વિદેશી દારૂ ભરી પસાર થયેલા બુટલેગર્સ નાઈટ પેટ્રોલિંગ જોઈ ગાડી રોડ પર મૂકી ફરાર થઈ જતા પોલીસે સ્કોર્પિઓ માંથી ૧.૬૮ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ભિલોડા પીએસઆઇ એસ.એચ.પરમાર અને ટીમ શુક્રવારે નાઈટ પેટ્રોલિંગમાં સ્કોર્પિઓ ગાડીમાંથી વિદેશી દારૂ અને બુટલેગર્સના મોબાઈલ નંગ-૩ પણ કબ્જે લીધા હતા. ત્યારે બુટલેગર્સ ફરાર થઈ જતા ભિલોડા પોલીસ જોતી રહી અને બુટલેગર્સ જતા રહ્યા જેવો ઘાટ સર્જાતા પોલીસતંત્રની પ્રોહીબીશનની કામગીરી અંગે અનેક પ્રશ્નાર્થ ઉભા થયા હતા.

ભિલોડા પોલીસે કમઠાડીયા ગામની સીમમાં રોડ નજીક  બિનવારસી હાલતમાં પડેલી ન્યૂ બ્રાન્ડેડ સ્કોર્પિઓમાં તલાસી લેતા કાર માંથી ગેરકાયદેસર વગર પાસ પરમીટની વિદેશી દારૂની બોટલ નંગ-૩૬૦ કિં.રૂ.૧૬૮૦૦૦/- ગાડીમાંથી મળી આવેલ મોબાઈલ નંગ-૩ કિં.રૂ.૧૫૦૦/- તથા સ્કોર્પિઓ ગાડી કિં.રૂ.૮૦૦૦૦૦/- મળી કુલ રૂપિયા.૯૬૯૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી સ્કોર્પિઓ ગાડીમાં વિદેશી દારૂ ઘુસાડવાનો નિષ્ફળ પ્રયાસ કરનાર અને પોલીસને થાપ આપી રફુચક્કર થનાર બે અજાણ્યા બુટલેગર્સ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.