મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: રાજસ્થાન રાજ્યને અડીને આવેલા અરવલ્લી જીલ્લાના આંતરરાજ્ય સરહદ પરના કેટલાક ગ્રામ્ય વિસ્તારો દારૂના વેપલા અને દારૂના કટિંગ માટે જાણીતા છે. વિદેશી દારૂના ગોરખધંધામાં રહેલી મબલખ કમાણીના પગલે અનેક યુવાનો બુટલેગર બની બેઠા છે. ભિલોડા પીએસઆઈ કે કે રાજપૂતને રીંટોડા ગામે બુટલેગર ભાઈઓ ખેતરમાં વિદેશી દારૂ સંતાડી વિદેશી દારૂનો વેપલો કરતા હોવાની બાતમી મળતાં રેડ કરી ૨૫ હજાર રૂપિયાનો વિદેશી દારૂ સાથે એક બુટલેગરની ધરપકડ કરી હતી. વિદેશી દારૂના વેપલો કરનાર મુખ્ય બુટલેગર પોલીસ રેડ જોઈ ફરાર થઇ જતા પોલીસે પ્રોહોબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. 
 
અરવલ્લી જીલ્લામાં વિદેશી દારૂનો જથ્થો પકડાવાનો સિલસિલો યથાવત છે. જીલ્લાના ગ્રામિણ વિસ્તારમાં બુટલેગરો ની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ભિલોડા તાલુકાના રીંટોડા ગામે બુટલેગર ભાઈઓ નિતેષ બાબુભાઈ ખરાડી અને કલ્પેશ બાબુભાઇ ખરાડી તેના ઘરે વિદેશી દારૂનો જથ્થો લાવીને વેપાર કરતો હોવાની બાતમીના મળતા ભિલોડા પીએસઆઈ કે. કે. રાજપૂત અને તેમની ટીમે બુટલેગર બ્રધર્સના ઘરે રેડ કરતાં તેના ઘર આગળ જુવારના ખેતરમાં સંતાડી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-૧૦૭ કીં.રૂ.૨૫૦૭૬/- ના જથ્થા સાથે કલ્પેશ બાબુભાઇ ખરાડીને દબોચી લીધો હતો. પોલીસ રેડ જોઈ નિતેશ બાબુભાઇ ખરાડી રફુચ્ચકર થઈ જતા ભિલોડા પોલીસે કલ્પેશ ખરાડીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી નિતેશ બાબુભાઇ ખરાડીને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.