મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્ક માટે લોકોએ આંદોલન કરવા પડી રહ્યા છે. ડિજિટલ ઇન્ડિયા મુખ્યત્વે શહેરી અને મોટા ગ્રામ્ય વિસ્તારો સુધી સીમિત રહ્યું હોય તેમ ગુજરાતના અનેક અંતરિયાળ વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક માટે ૫ કિલોમીટર સુધી જવું પડે છે કે પછી ડુંગર અને ઝાડ પર ચઢી નેટવર્ક શોધવું પડી રહ્યું છે. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો માટે ડિજિટલ ઇન્ડિયાની વાતો બૂમરેંગ સાબીત થઇ રહી છે. કોરોના સંક્રમણમાં નેટની સ્પીડ નહીં મળતા વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચીત રહ્યા છે. તેમજ પોસ્ટ, રેશનિંગની દુકાન અને પંચાયતમાં પણ ઓનલાઈન કામગીરી થતી હોવાથી સ્પીડ ન મળતા કૂંડોલ-પાલ ગામ સહીત આજુબાજુના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતા આ અંગે વહીવટી તંત્ર,બીએસએનલ અને રાજકીય અગ્રણીઓને વારંવાર રજુઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતાં સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. 

રવિવારે કૂંડોલ-પાલ ગામે સ્થાનીક અગ્રણીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ટરનેટની સ્પીડ ન મળતા ધો.૧ થી ૧૨ અને કોલેજ કરતા વિદ્યાર્થીઓએ અભ્યાસ થી વંચીત રહેવું પડ્યું હતું. આ વિસ્તારમાં ઇન્ટરનેટ સ્પીડ ન હોવાથી પોસ્ટ,રેશનિંગ દુકાન, ગ્રામ પંચાયત સહીત ઓનલાઈન સુવિધાથી વંચિત રહેવું પડે છે. છેલ્લા ત્રણ વર્ષથી ગામલોકોએ ઈન્ટરનેટની સ્પીડ માટે જીલ્લા કલેક્ટર,બીએસએનએલ વિભાગ અને મામલતદારમાં વારંવાર રજુઆત કરવા છતાં ઇન્ટરનેટ ડચકા ખાતું હોવાથી આ અંગે સામુહિક ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ૧૦ દિવસમાં ઈન્ટરનેટની સ્પીડ નહીં વધે તો ૨૮ ફેબ્રુઆરીએ યોજાનાર સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓથી અળગા રહેવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. 

કૂંડોલ-પાલ ગામલોકોના જણાવ્યા અનુસાર ભાજપ સરકાર સૌનો સાથ સૌનો વિકાસના બણગાં ફૂંકી રહી છે ત્યારે અંતરિયાળ વિસ્તારોમાં વિકાસનો સાથ ભાજપ સરકાર ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.