મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લામાં ટ્રાફિકના નિયમનો ઉલાળિયો કરી વાહનચાલકો બેફામ વાહન હંકારતા નિર્દોષ રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લેતા જીવ ગુમાવવો પડી રહ્યો છે. ભિલોડાના રીંટોડા ગામની સીમમાં હીટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. જેમાં બાઈકનો કડૂચાલો વળી ગયો હતો બાઈક ચાલક યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બાઈક પાછળ બેઠેલ યુવકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો. રીંટોડા નજીક કિશનગઢ ગામના આશાસ્પદ યુવકનું અકસ્માતમાં મોત નીપજતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અકસ્માતના પગલે દોડી આવેલ ભિલોડા પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ભિલોડાના રીંટોડા નજીક કારે બાઈકને અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં કિશનગઢના યુવકનું મોત નીપજ્યું હતું. બુધવારે સાંજના સુમારે કિશનગઢ ગામનો કિરણ લક્ષ્મણભાઈ કોટવાળ તેના મિત્ર જીગર સુરેશભાઈ અસારી સાથે કામકાજ અર્થે બાઈક લઈને નીકળ્યો હતો. બંને મિત્રો બાઈક લઈ રીંટોડા નજીકથી પસાર થતા હતા, ત્યારે સામેથી આવી રહેલી કારના ચાલકે કાર ગફલત ભરી રીતે પુરઝડપે હંકારી બાઈકને ધડાકાભેર અડફેટે લેતા બંને યુવકો રોડ પર પટકાયા હતા. અકસ્માત સર્જી કાર ચાલક અંધારાનો લાભ લઈ કાર ઘટનાસ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો. અકસ્માતના પગલે આજુબાજુથી લોકો અને પસાર થતા વાહનચાલકોએ બંને ઈજાગ્રસ્ત યુવકોંને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. જેમાં બાઈક ચાલક કિરણ કોટવાળનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું. ભિલોડા પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી ફરાર કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.