મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લામાં ખાણખનીજ વિભાગ અને આરટીઓ તંત્રની મીલીભગત થી બેફામ રીતે ખનીજ ચોરી કરી જીલ્લાના મુખ્ય અને અંતરિયાળ માર્ગો પર બેફામ ગતિએ પસાર થતા આઈવા ડમ્પર અને ટ્રક-ટ્રેક્ટરની અડફેટે અનેક નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓનો ભોગ લેવાયો છે. ભિલોડા હાથમતી નદી નજીક રોડ પર પુરપાટ ઝડપે પસાર થઈ રહેલા ડમ્પરના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી બાઈક ડમ્પર સાથે ધડાકાભેર અથડાતા બાઈક ચાલક રોડ પર પટકાતાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત ના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અકસ્માતના પગલે ભિલોડા પીએસઆઈ રાજપૂત ઘટનાસ્થળે દોડી આવી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી અકસ્માત સર્જી ફરાર ડમ્પર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા અકસ્માતની જાણ યુવકના પરિવારજનો ને થતા અકસ્માત સ્થળે પહોંચી આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી.

ભિલોડા તાલુકાના ડોડીસરા ગામનો વિજય કુમાર કાનજીભાઈ મોડીયા(ઉં.વર્ષ-૨૫) નામનો યુવક બાઈક લઈ કામકાજ અર્થે નીકળ્યો હતો ભિલોડા હાથમતી નદી નજીક આવેલા પેટ્રોલપંપ પાસે રોડ પર થી પસાર થતાં આગળ જઈ રહેલા ડમ્પર (ગાડી.નં-GJ-08-Z-2298) ના ચાલકે બેફામ ગતિએ ડમ્પર હંકારી રોડ પર ઓચિંતી બ્રેક મારતા બાઈક ડમ્પર પાછળ જોરથી ભટકાતા બાઈક ચાલક યુવક રોડ પર પટકાતાં વિજયભાઈના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનાના પગલે યુવકના પરિવારજનો અને સગા-સંબંધી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અકસ્માતની ઘટનામાં યુવકનું મોત નિપજતા ભિલોડા પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ હતી.

ભિલોડા પોલીસને અકસ્માતની ઘટનાની જાણ થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડી નગીનભાઈ ફતાજી મોડિયાની ફરિયાદના આધારે ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી અકસ્માત સર્જી ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.