મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા : દિવાળી પર્વ પછી રાજ્યભરમાં કોરોનાના કેસો અને મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા લોકો ઘરની બહાર નીકળે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનો ઉપયોગ સરકારે ફરજિયાત બનાવ્યો છે. જ્યાં સુધી કોરોનાની વેક્સીન ના શોધાઈ જાય ત્યાં સુધી માસ્ક જ કોરોના ફેલાતો રોકવાની અકસીર દવા છે. પરંતુ લોકો માસ્ક પહેરવાને ખુબ હળવાશથી લઈ રહ્યાં છે.લોકો જાહેરમાં માસ્ક પહેર્યા વગર જ ફરતા જોવા મળે છે. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં લઈને ભિલોડા પોલીસે લાલ આંખ કરી છે તેમજ ભિલોડા નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા જન જાગૃતિ અભિયાન ચલાવી રહી છે તદઉપરાંત માસ્ક વગર વાહન હંકારતા વાહનચાલકો અને રખડપટ્ટી કરતા લોકોને દંડ ફટકારી માસ્ક અંગે સમજ આપી હતી. 

ભિલોડા પીએસઆઈ કે કે રાજપૂત અને તેમની ટીમે લોક સહયોગ થી ભિલોડામાં સહીત ગ્રામ્ય વિસ્તારોમાં માસ્ક-અપ અભિયાન હાથધર્યું છે. તેમજ કોરોના સંક્રમણ અટકાવવા " ઘરે રહો સુરક્ષીત રહો અને અગત્યનું કામકાજ હોય તો જ બહાર નીકળો" ના અને "નો માસ્ક નો એન્ટ્રી" ના બેનર લગાવી કોરોનાથી બચવા લોકોને અપીલ કરી હતી.
 
ભિલોડા નગરમાં માસ્ક વગર વાહન હંકારતા લોકોને દંડ ફટકારવાની સાથે વાહન હંકારતી વખતે માસ્ક ફરજીયાત પહેરવા અપીલ કરી વાહનચાલકો ને સમજ આપી હતી ભિલોડા પોલીસે જાહેરસ્થળોએ અને ધંધાના સ્થળોએ વેપારીઓ અને લોકોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તાકીદ કરી હતી લોકોએ ભિલોડા પોલીસની કામગીરીની સરાહના કરી હતી.