મેરાન્યૂઝ નેટવર્ક.ભિલોડા: ગતિશીલ ગુજરાત,સમૃદ્ધ ગુજરાતની બૂમરેંગ વચ્ચે અંતરિયાળ ગામડાઓની હાલત કફોડી છે આઝાદીના ૭૨ વર્ષ પછી પણ લોકો પાયાની સુવિધાથી વંચિત છે. માર્ગો અને પીવાની પાણીની સુવિધા વગર ટળવળવાનો વારો આવે છે. અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના વાંદીયોલ અને આજુબાજુના ૧૦ થી વધુ ગામડાના લોકોની યાતનાનો અંત જ નથી આવતો. ગામ પાસેથી પસાર થતી મેશ્વો નદી પર વર્ષો જૂની પુલ બનાવવાની માંગ અને સરપંચે પણ રાજ્યપાલ પાસે વાંદીયોલ-સોડપુર વચ્ચે પુલ નહિ બનાવતા તંત્ર પાસે જળ સમાધિ ની મંજૂરી મંગાઈ હોવા છતાં તંત્રનું પાણી હાલ્યું લાગતું નથી. ત્યારે વાંદીયોલના પેટા પરા કાદવીયા ગામે મુસીબત મોત પછી પણ પીછો છોડતી નથી જેવી ઘટના બની હતી. કાદવીયા ગામે આદિવાસી વૃદ્ધાનું મોત નિપજતા મૃતદેહને સ્મશાને લઈ જવા ગાત્રો થીજવતી ઠંડીમાં નદીના ઢીંચણ સમા પાણીમાંથી પસાર થવાની નોબત આવતા ડાઘુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતી.
 
ભિલોડા તાલુકાના વાંદીયોલ ગ્રામ પંચાયતના પેટા પરા  કાદવીયા ગામે આદિવાસી વૃદ્ધાનું મોત નિપજતા “ જીવતા તો વેઠી પણ મૃત્યુ પછી પણ મૃતદેહનેય વૈતરણીની યાતના નડી” જેવો ઘાટ સર્જાયો હતો. ગામનું સ્મશાન મેશ્વો નદીના પેલે પાર હોવાથી વૃદ્ધાના મૃતદેહને અંતિમક્રિયા માટે લઈ જવા ઢીંચણ સમા પાણી માંથી પસાર થવા મજબુર થતા ડાઘુઓમાં ભારે રોષ ફેલાયો હતો. ગ્રામજનોએ આક્રોશ ભર્યા સ્વરે જણાવ્યું હતું કે વાંદીયોલ નજીક થી પસાર થતી મેશ્વો નદી પર પુલ કે ડીપના અભાવે કોઈનું પણ મરણ થાય તો મૃતદેહ સાથે જીવના જોખમે પસાર થવું પડે છે. નઘરોળ તંત્ર જાણે “લાશ” બની ગયું હોય તેમ કોઈ સુવિધા પુરી  પાડતું નથી. ગ્રામજનોએ અનેકવાર વહીવટી તંત્રમાં રજુઆત કરવાની સાથે ગામના સરપંચે પુલ બનાવામાં આવેની માંગ સાથે રાજ્યપાલ પાસે જળસમાધિની માંગ કરી હોવા છતાં સમસ્યા યથાવત રહેતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અને આઝાદીના ૭૨ વર્ષ પછી પણ મેશ્વો નદી પર પુલ બનાવવાની માંગ સ્વીકારવામાં તંત્ર ઠાગાઠૈયા કરતુ હોવાનું જણાવ્યું હતું.