મેરાન્યૂઝ નેટવર્ક.ભિલોડા: આજના જમાનામાં લોકો નાની-નાની વાતોમાં જીવન ટૂંકાવી દેતાં હોય તેવા કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. અમુક વખત તમે સ્વપ્ને પણ ન વિચારી હોય તેવી વાતો પર લોકો આત્મહત્યા કરી લેતાં હોય છે. અરવલ્લી જીલ્લાના ભિલોડા નગરના કિરાણા સ્ટોરના વેપારીએ ડાયાબિટીસ અને માનસિક બીમારીથી કંટાળી હતાશામાં ગરકાવ થઈ ભિલોડા નજીકથી પસાર થતી બુઢેલી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું ભિલોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ભિલોડાના અગ્રણી વેપારીએ બીમારી થી કંટાળી જીવનલીલા સંકેલી લેતા વેપારીઓ પણ અચંબિત બન્યા હતા

ભિલોડા બસ સ્ટેન્ડ નજીક વર્ષોથી “રાઠી કિરાણા” સ્ટોર નામની વર્ષો જૂની પેઢી ધરાવતા મુકેશભાઈ ધનરાજભાઈ રાઠી નામના વેપારી છેલ્લા કેટલાક વર્ષોથી ડાયાબિટીસ નામની અસાધ્ય બીમારીથી પીડાતા હોવાથી માનસિક રીતે અસ્વસ્થ રહેતા હતા બુધવારે ઘરે થી નીકળી જતા પરિવારજનોએ શોધખોળ હાથધરી હતી સોમવારે સવારે ભિલોડા નગરની સાઈ સમ્રાટ હોટલ નજીક પસાર થતી બુઢેલી નદી માંથી મુકેશભાઈ ધનરાજ ભાઈ રાઠી નો પાણીમાં ડૂબેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી ભિલોડા નગરના વેપારીઓ અને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા ભિલોડા પોલીસને જાણ કરતા તાબડતોડ નદીના કિનારે પહોંચી મૃતક વેપારીની લાશને ભિલોડા કોટેજ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડી હતી.

ભિલોડા પોલીસે મૃતક વેપારીના પુત્ર દિપકુમાર મુકેશભાઈ રાઠી (રહે,શાંતિનગર સોસાયટી,નારસોલી રોડ, ભિલોડા ) ની ફરિયાદના આધારે સીઆરપીસી-૧૭૪ કલમ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.