મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: ભિલોડા તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલ સદસ્યોને 15 % વિવેકાધીન (આયોજન) ગ્રાન્ટની ફાળવણીમાં અન્યાય કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે તાલુકા પંચાયત કચેરીમાં વિરોધ નોંધાવ્યો અને ગ્રાન્ટની ફાળવણીમાં ઉભી થયેલી વિસંગતતા નું નિવારણ સંદર્ભે રામધુન અને ભજનની રમઝટ બોલાવી હતી. તેમજ ગ્રાન્ટ ફાળવણીમાં અન્યાય થતા ધરણા પર બેઠા હતા. 

ભિલોડા તાલુકા પંચાયત,વિપક્ષના નેતા અનિલભાઈ હડુલા,સદસ્યો કાંતિલાલ ખરાડી,કાલીચરણ હોથા,જયેશભાઈ ઠાકોર સહિત કોંગ્રેસના સદસ્યોએ જણાવ્યું હતું કે 15 % વિવેકાધીન (આયોજન) ગ્રાન્ટની ફાળવણીમાં વિસંગતતા નું નિવારણ સત્વરે કરવા સંદર્ભે તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી આપી હતી.તાલુકા પંચાયતની સામાન્ય સભામાં અધ્યક્ષ સ્થાને જણાવવામાં આવેલ હતું કે દરેક સદસ્યોના મત વિસ્તારમાં ત્રણ લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. ત્યાર બાદ સદસ્યો પાસે વિસ્તારોમાં વિકાસ લક્ષી કામકાજની વિગતવાર માહિતી મંગાવી હતી. પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના રાજમાં કોંગ્રેસના સદસ્યોના વિકાસ લક્ષી કામકાજ લીસ્ટ માંથી એકાએક ગાયબ થઈ ગયા છે. અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા કોન્ટ્રાક્ટરોના વિકાસ લક્ષી કામકાજનો સમાવેશ કરવામાં આવ્યો છે.કોંગ્રેસ સદસ્યોના વિકાસ લક્ષી કામકાજ રદ કરાતા તીવ્ર રોષ ભભુકી ઉઠ્યો છે.

Advertisement


 

 

 

 

 

ભિલોડા ધારાસભ્ય ડો.અનિલભાઈ જોષીયારા અને કોંગ્રેસના તાલુકા પંચાયત સદસ્યોએ તા.08-09-2021 ના રોજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર સ્વરૂપે લેખિતમાં રજૂઆત કરી હોવા છતા યોગ્ય રીતે નિરાકરણ આજ દિન સુધીમાં આવેલ નથી ? આજે કોંગ્રેસના સદસ્યોએ તાલુકા વિકાસ અધિકારી ને લેખિતમાં પત્ર પાઠવી અને ન્યાયિક રજુઆત કરીને ધરણા પર બેઠા છે.યોગ્ય નિરાકરણ લાવવા રજુઆતો કરાઈ છે.કોંગ્રેસના સદસ્યોએ તાલુકા પંચાયત કચેરીના મુખ્ય પ્રવેશ દ્વાર આગળ જ રામધુન અને ભજનની રમઝટ બોલાવી હતી.