મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી:  કોરોના સંક્રમણ પછી બેરોજગારીમાં નોંધપાત્ર વધારો થયો છે. અનેક બેકારીનો ભોગ બનેલ યુવાનો ચોરીના રવાડે ચઢી ગયા છે અને ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. ભિલોડા તાલુકાના લીલછા ગામે આવેલ સ્મશાનગૃહમાંથી તસ્કરો લોંખડની સગડીની એંગલો ચોરી જતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી. હવે તસ્કરો સ્મશાનમાં રહેલી લોંખડની સગડી પણ નહીં છોડતા તસ્કર ટોળકી સામે રોષ ફેલાયો હતો. ભિલોડા પોલીસે લીલછા ગામના સરપંચની ફરિયાદના આધારે ફરિયાદ નોંધી તસ્કર ટોળકીને ગણતરીના કલાકોમાં દબોચી લીધી હતી. 

ભિલોડાના લીલછા ગામે સ્મશાનગૃહમાંથી સગડી ચોરી થતા ભિલોડા પીઆઈ મનીષ વસાવા અને તેમની ટીમે સ્મશાનગૃહમાંથી લોંખડની સગડી ચોરી કરનાર તસ્કરોને ઝડપી પાડવા બાતમીદારોને સક્રીય કરી ૧)અજય કાંતિ વાઘરી,૨) રાજુ અમૃત બજાણીયા અને ૩)સુરેશ સના વાઘરીને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા ભિલોડા પોલીસે ચોરી કરેલ લોંખડની સગડી રીકવર કરી હતી. 

ધનસુરા પોલીસે એસકે-૨ પીવાના પાણીની પાઈપલાઈનના વાલ્વ ચોરી કરનાર જીગર કોટવાળને દબોચ્યો 

ધનસુરા પીએસઆઈ બી.એસ.ચૌહાણ અને તેમની ટીમે શીકા કોલવડા ગામની સીમમાંથી પસાર થતી એસકે-૨ યોજના અંતર્ગત નાખેલ પીવાના પાણીની પાઈપલાઈનમાં લગાવેલ ૧૩ એરવાલની ચોરી કરનાર રહિયોલના જીગર કાળાભાઈ કોટવાળને ઝડપી પાડી રૂ.૨૩૫૦૦/-નો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.