મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં ભિલોડા તાલુકાના માંકરોડા ગામ નજીક બપોરના સુમારે સ્વીફ્ટ કારે બાઈકને સામે થી ટક્કર મારતા બાઈક સવાર સહીત અન્ય બે મહિલાઓ રોડ પર પટકાતા ૪૫ વર્ષીય મહિલાના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બાઈક સવાર સહીત અન્ય ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા અકસ્માતના પગલે દોડી આવેલી ભિલોડા પોલીસે મૃતક મહિલાની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભિલોડાના વેજપુર ગામના પ્રકાશભાઈ રૂપસીભાઇ પાંડોર બાઈક પર તેમની કાકી અને અન્ય સબંધી મહિલા બેસાડી માંકરોડા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા સામેથી આવી રહેલી સ્વીફ્ટ કાર (ગાડી.નં-GJ -01 -KS  1523 ) ના ચાલકે પુરઝડપે ગફલતભરી રીતે હંકારી બાઈકને ધડાકાભેર ટક્કર મારતા બાઈક ચાલક સહીત બાઈક સવાર બંને મહિલાઓ ફંગોળાતા કૈલાશબેન સારજન ભાઈ પાંડોર (ઉં.વર્ષ-૪૧) ના શરીરે ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે પ્રાણપંખેરું ઉડી ગયું હતું. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ પ્રકાશભાઈ રૂપસીભાઇ ડામોર પાંડોર તથા દક્ષાબેન અમૃતભાઈ કોટવાળ (બંને,રહે-વેજપુર) ના શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે ખસેડી મહિલાના પતિ સારજનભાઈ રામજીભાઈ પંડોરની ફરિયાદના આધારે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી ફરાર કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.