મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લાના ભિલોડા નગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થીતી કથળી હોય તેમ ગાયત્રી સોસાયટી ડુંગરી તળેટી નજીકથી પસાર થતી બે યુવતીઓ માંથી એક યુવતીને ધક્કો મારી તેમજ સાથે રહેલી મહિલાને ગાળો બોલી તેની સાથે રહેલી ૧૮ વર્ષીય યુવતીનું કારમાં આવેલા ત્રણ શખ્સોએ અપહરણ કરી નાસી છૂટતા ભારે ચકચાર મચી હતી. જો કે અપહરણ કરેલ કાર ઇડરના બડોલી ગામ નજીક સીમમાં પલ્ટી ખાઈ જતા અપહત્ય યુવતી અને અપહરણ કરનાર ત્રણ શખ્સોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હિંમતનગર દવાખાને ખસેડાયા હતા. અપહરણની ઘટનાના પગલે ભિલોડા પોલીસ દોડતી થઇ છે અને હાલ સારવાર લઇ રહેલ હોસ્પિટલે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. પરંતુ બેખોફ થયેલા ગુનેગારો દ્વારા સરેઆમ રહેણાંક વિસ્તારમાંથી યુવતીના અપહરણની ઘટનાએ સૌ જિલ્લાવાસીઓમાં રોષ અને ફફડાટ સર્જી દીધો હતો. 

ભિલોડાના ગોવિંદનગર વિસ્તારમાં રહેતી યુવતી તેની બહેનપણી અને અન્ય એક મહિલા સાથે શનિવારે સવારે ઘરેથી કામકાજ અર્થે નીકળી હતી. ત્યારે ગાયત્રી સોસાયટી ડુંગરી તળેટી વિસ્તારમાંથી પસાર થતી હતી ત્યારે અલ્ટો કારમાં આવેલા ગાંભોઇના જગદીશ અળખાભાઈ થોરી અન્ય બે શખ્શોએ એક યુવતીને ધક્કો મારી નીચે પાડી દઈ તેની સાથે રહેલી ૧૮ વર્ષીય યુવતીનું અપહરણ કરી નાશી છૂટ્યા હતા. યુવતીની માતાને પણ અપહરણકારોની કાર ઇડરના બડોલી ગામ નજીક કાર પલ્ટી જતા અપહત્ય યુવતી સહીત કાર ચાલક જગદીશ અને સાથે રહેલા બે શખ્શોને શરીરે ઈજાઓ પહોંચતા અકસ્માતના સ્થળે દોડી આવેલા લોકોએ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી દીધા.
 
ભિલોડા નગરમાં ધોળે દહાડે યુવતીના અપહરણની ઘટના બનતા ભિલોડા પોલીસે કપિલાબેન મનુભાઈ થોરીની ફરિયાદના આધારે ૧) જગદીશ અળખાભાઈ થોરી (ગાંભોઇ), ૨) નરસિંહ કાળાભાઇ થોરી (મુડેતી), ૩)વિષ્ણુ પ્રભાભાઇ થોરી (ગુલાબપુરા) વિરુદ્ધ અપહરણનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.