મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી : સાયબર ક્રાઇમના કિસ્સાઓ ઘણાં સામે આવી રહ્યાં છે. લોકોને ઉલ્લુ બનાવીને ટોળકીઓ હજારો-લાખો રૂપિયા ઠગી લેતી હોય છે ત્યારે સાયબર ગઠિયાઓ ટેક્નોલોજીના સહારે બેંક સાથે જ એટીએમ મારફતે ઠગાઈ કરી લેતા બેંક અધિકારીઓ અને હેડઓફીસ પણ નવા ફ્રોડથી ચોકી ઉઠી છે. ભિલોડા નગરમાં આવેલી કેનરા બેંકના એટીએમમાં બે ગઠિયાઓ પ્રવેશી એટીએમ જેવું કાર્ડ નાખી દસથી વધુ ટ્રાન્જેક્શન કરી ૧.૯૭ લાખ ઉપાડી લેતા બેંક કર્મીઓ અને પોલીસ દોડતી થઇ છે. સાયબર ગાઠીયાઓની નવી ટેક્નિકલી એટીએમમાંથી રૂપિયા સેરવી લેવાની મોડ્સ ઓપરેન્ડીસ જોઈ પોલીસ અને બેંક સત્તાવાળાઓ પણ માથું ખંજવાળતા રહી ગયા છે. કેનેરા બેંકના મેનેજરે ભિલોડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા ભિલોડા પોલીસ સહીત એસઓજી પોલીસ પણ સાયબર ગાઠીયાઓને ઝડપી લેવા તપાસ હાથધરી છે.
 
ભિલોડા નગરમાં આવેલી કેનરા બેંકમાં માસ્ક પહેરી પ્રવેશેલા બે સાયબર ગઠિયા ત્રણ દિવસના સમયગાળામાં એટીએમ જેવું કાર્ડ નાખી ૧૮ જેટલા ટ્રાન્જેક્શન કરી ૧.૯૭ લાખ ઉપાડી લેતા આ અંગે બેંગ્લોર સ્થીત હેડ ઓફિસના અધિકારીઓને ધ્યાને આવતા હેડ ઓફિસથી ભિલોડા કેનરા બેંકના બ્રાન્ચ મેનેજરને ઈ મેઈલ મારફતે જાણ કરી હતી. જેમાં એટીએમમાં શંકાસ્પદ ટ્રાન્જેક્શન થઇ રહ્યું હોવાની જાણ કરતા મેનેજર સહીત કર્મચારીઓએ એટીએમના સીસીટીવી કેમેરા ચેક કરતા બે શખ્શો માસ્ક પહેરી પ્રવેશી એટીએમમાં કાર્ડ નાખી ટેક્નિકલી છેડછાડ કરી રૂપિયા કાઢતા હોવાનું જણાઈ આવતા વધુ તપાસ કરતા આ બંને શખ્શોએ ૧૮ વખત ટ્રાન્જેક્શન કરી ત્રણ દિવસમાં બેંકના એટીએમ માંથી ૧.૯૭ લાખ રૂપિયા ઉપાડી લીધા હોવાનું જણાતા બ્રાન્ચ મેનેજર સુરજ અશોક કુમાર કુમારે બે અજાણ્યા શખ્સો સામે ૧.૯૭ લાખ રૂપિયા એટીએમમાં ટેક્નોલોજી ઉપયોગ કરી ફ્રોડ કર્યાનો ગુન્હો નોંધાવતા ભિલોડા પોલીસે બંને શખ્શો સામે ફરિયાદ નોંધી ઝડપી લેવા તજવીજ હાથધરી હતી. સાયબર ગાઠીયાઓની મોડ્સ ઓપરેન્ડીસ જોઈ જીલ્લા પોલીસવડા એસપી ખરાતે એસઓજી પોલીસને પણ તપાસમાં જોતરી છે.