મેરાન્યૂઝ નેટવર્ક.ભિલોડાઃ રાજસ્થાન રાજ્યને અડીને આવેલા અરવલ્લી જીલ્લાના શામળાજી, ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશી દારૂ ઠાલવી કટિંગ કરી રાજ્યના બુટલેગરોને વિવિધ વાહન મારફતે વિદેશી દારૂ પહોંચાડતો અને પોલીસ કર્મીઓ પર જીવલેણ હુમલો કરવા માટે પંકાયેલા માથાભારે બુટલેગર સુકો ઉર્ફે ભંવરલાલ ડુંડના ડોડીસરના રહેઠાણ સ્થળે  ૧૫ મે ના રોજ ડીવાયએસપી ભરત બાસિયા અને જીલ્લા પોલીસે રેડ કરી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો સુકો ઉર્ફે ભંવરલાલ ડુંડ રેડ દરમિયાન મળી ન આવતા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા કુખ્યાત બુટલેગર સુકો ઉર્ફે ભંવરલાલ ડુંડને ભિલોડા પોલીસે ડોડીસરા ગામની સીમમાંથી ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો સમગ્ર પંથકમાં લુખ્ખાગીરી માટે પંકાયેલા બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દેતા લોકોએ અને પોલીસતંત્રે હાશકારો અનુભવ્યો હતો. 

ગુજરાતમાં દારૂબંધીનો ફાયદો ઉઠાવી ગેરકાયદેસર વિદેશી દારૂનો વેપલો કરી હજ્જારો બુટલેગરો કરોડો રૂપિયાની આસમી બન્યા છે. વિદેશી દારૂના વેપલામાં રહેલા લખલૂટ રૂપિયાના લીધે અનેક યુવાનો બુટલેગર બની વિદેશી દારૂના ધંધામાં જોતરાયા છે. ભિલોડા તાલુકાના ડોડીસરા ગામનો સુકો ઉર્ફે ભંવરલાલ ડુંડ નામનો યુવાન પણ વિદેશી દારૂના ધંધામાં ઝંપલાવી પોલીસતંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ તથા કર્મચારીઓની છત્રછાયા હેઠળ પરપ્રાંતીય બુટલેગરો સાથે મળી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનું કટિંગ શરુ કરતા ટૂંકા ગાળામાં મોટો બુટલેગર બની જવાની સાથે સમગ્ર વિસ્તારમાં લુખ્ખા તત્ત્વો સાથે રાખી પંથકના લોકોમાં ખોફ જમાવતા તેની અસામાજિક પ્રવૃતિઓ સામે લોકો લાચાર બની ગયા હતા.
 
સૂકા નામના બુટલેગર પોલીસકર્મીઓ પર હુમલો કરતા ખચકાતો ન હોવાથી અને દાદાગીરી સામે ખાખી પણ લાચાર હોય તેમ તેના અડ્ડા પર કે ઘરે એકલ-દોકલ પોલીસ અધિકારી કે કર્મચારી ફરકવાનું પણ મુનાસીબ સમજતા ન હતા, ત્યારે ૧૫ મેના રોજ ભિલોડા પીએસઆઈ કે. કે. રાજપૂતને સૂકા બુટલેગરના ઘરે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઠલવાયો હોવાની બાતમી મળતા ડીવાયએસપી ભરત બાસિયા અને જીલ્લા પોલીસે રેડ કરી ૭.૩૪ લાખના દારૂ સાથે ૧૮.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રેડ દરમિયાન સુકો મળી ન આવતા ભિલોડા પોલીસે વિવિધ ટિમ બનાવી શોધખોળ હાથધરતાં ડોડીસરા ગામની સિમ માંથી ભિલોડા પીએસઆઈ કે.કે રાજપૂતે દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દેતા પંથકના લોકોમાં આનંદ છવાયો હતો.