મેરાન્યૂઝ નેટવર્ક.ભિલોડાઃ કોરોનાએ ચારે તરફ કહેર મચાવ્યો છે. જેના કારણે અત્યાર સુધીમાં હજ્જારો લોકો કોરોનાના ભરડામાં આવ્યા છે. ત્યારે સંક્રમણ વધુ ન ફેલાય તે હેતુથી સરકારે લોકડાઉન જાહેર કરી દીધું હતું. પરંતુ શહેરમાં રહેતા શ્રમિકોએ પોતાના વતન ભણી વાટ પકડી હતી. ત્યારે તંત્ર દ્વારા શ્રમિકો આગળ ન જાય તે માટે ઠેર ઠેર આશ્રયસ્થાનો ઉભા કરી દીધા હતા. જેમાં શામળાજી નજીક આવેલ એકલવ્ય મોડલ સ્કૂલમાં રખાયેલ અંદાજે ૧૫૦ જેટલા શ્રમિકો પ્રથમ લોકડાઉનમાં પલાયન થઈ ગયા હતા પરંતુ તંત્ર દ્વારા કુશ્કી નજીકથી પકડી તેઓને હાલ ભિલોડાની મોધરી કલ્લેકા સ્કૂલમાં આશ્રય આપવામાં આવ્યો છે.જમવાનું હલકી ગુણવત્તાનું આપવામાં આવતું હોવાની અને સ્વચ્છતાનો અભાવ હોવાથી  ૧૫૦ જેટલા શ્રમિકોએ ભૂખ હડતાળ પર ઉતારતા તંત્ર દોડતું થતા શ્રમિકોએ ભૂખ હડતાલ સમેટી લીધી હતી.

આ અંગે મળતી વિગતો અનુસાર સરકાર દ્વારા શ્રમિકોને રહેવા જમવા માટે સગવડ તો કરી દીધી પરંતુ તે સ્થળે તે લોકોને જમવા તેમજ રહેવાની કેવી વ્યવસ્થા છે તે અંગે જાણે ધ્યાન ન દોરાતું હોય તેવું સામે આવી રહ્યું છે. ભિલોડા તાલુકાની મોધરી કલ્લેકા શાળામાં શામળાજીની એકલવ્ય સ્કૂલમાથી નિકળી ગયેલા અંદાજે ૧૫૦ જેટલા શ્રમિકોને રાખવામાં આવ્યા છે. ત્યારે શ્રમિકો ઉપવાસ પર ઉતરી ગયા છે અને અમને વતનમાં જવા દો અથવા અમે જે સ્થળેથી આવ્યા છીએ તે સ્થળે પરત મુકી દો તેવી માંગ કરાઈ રહી છે. સાથે તેઓને જમવા તેમજ રહેવાની અગવડ પણ પડી રહી હોવાનું જણાવ્યું હતું. 

ઘટનાને પગલે અરવલ્લી એસડીએમ મયંક પટેલ પણ ભિલોડાના મોધરી કલ્લેકા સ્કૂલ ખાતે દોડી પહોંચ્યા હતા અને શ્રમિકોને કાઉન્સેલીંગ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જો કે કાઉન્સેલીંગ બાદ શ્રમિકોએ ભોજન લીધું હોવાનું જાણવા મળ્યું હતું. 

એસડીએમ જ માસ્ક વગર કાઉન્સેલીંગ કરતા નજરે ચઢ્યા હાલ ગામડાઓમાં પણ માસ્ક પહેરવાનું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. જો કોઈ પણ વ્યક્તિ માસ્ક વગર દેખાય તો તરત જ તેની પાસેથી દંડ વસૂલવામાં આવતો હોવાની સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે કલ્લેકા સ્કૂલમાં રખાયેલ શ્રમિકોનું કાઉન્સેલીંગ કરવા ગયેલ એસડીએમ માસ્ક વગર નજરે ચઢ્યા હતા.

ધનિકોને અન્ય રાજ્યોમાંથી પરત લવાય છે તો શ્રમિકોને કેમ મોકલાતા નથી ?

તાજેતરમાં જ ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ કોટા ખાતે હતા તેઓને કોટાથી વ્યવસ્થા કરી ગુજરાતમાં લાવવામાં આવ્યા હતા. જ્યારે અન્ય રાજ્યોમાં કેટલાક યાત્રીકો પણ ફસાયા હતા જેઓને પણ ગુજરાતમાં પરત લાવવામાં આવ્યા હતા. ત્યારે શ્રમિકોને પોતાના વતનમાં મોકલવામાં આવતા ન હોવાના રોષ સાથે કેટલાક શ્રમિકોએ જણાવ્યું હતું કે જે ધનિકો છે તેઓને યેનકેન પ્રકારે ગુજરાતમાં પરત લવાઈ રહ્યા છે ત્યારે અમને કેમ વતનમાં મોકલવામાં આવતા નથી તેવા સવાલો ઉઠાવ્યા હતા.

શેલ્ટર હોમમાં રહેલી રાજસ્થાનની ગર્ભવતી મહિલાને વતન પહોંચાડવા રાજસ્થાનના રાનીવાડા ધારાસભ્યએ પત્ર લખ્યો 

લોકડાઉનના પગલે રાજ્યના શેલ્ટર હોમમાં પરપ્રાંતીયોને રાખવામાં આવ્યા છે ભિલોડા તાલુકાના મોધરી શેલ્ટર હોમમાં ૧૫૦ થી વધુ પરપ્રાંતીય શ્રમિકો રાખવામાં આવ્યા છે જેમાં રાજસ્થાનની ગર્ભવતી ઢેલી દેવી બે નાના બાળકો સાથે પરિવારના ૬ લોકો આશ્રય લઈ રહ્યા છે ગર્ભવતી મહિલાની રાજસ્થાનમાં સારવાર ચાલતી હોવાથી અને સારવારની જરૂર હોવાથી રાનીવાડાના ધારાસભ્ય નારાયણસિંહ દેવલે ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલને પત્ર લખી વતન મોકલી આપવા વ્યવસ્થા ગોઠવવા માંગ કરી છે.