મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી : અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં અપમૃત્યુની ત્રણ ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજતા ભારે ચકચાર મચી છે. જીલ્લામાં સતત લટકતી લાશો અને અજાણ્યા મૃતદેહ મળી આવવાનો સીલસીલો યથાવત રહ્યો છે. ભિલોડાના ગ્રામ્ય વિસ્તારની વધુ એક ૨૦ વર્ષીય પરણીત યુવતીની ઘરમાંથી લટકતી લાશ મળતા અને જેસીંગપુર ગામની સીમમાં આવેલ કુવામાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા પોલીસ દોડતી થઇ છે. અન્ય એક અકસ્માતની ઘટનામાં યુવકની એક્ટિવા પાછળ બેઠેલ મહિલા એક્ટિવા પરથી રોડ પર પટકાતા મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ હતી. ભિલોડા પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.  
       
પ્રાપ્ત માહીતી અનુસાર,ભિલોડાના મહેરુ (હાથિયા) ગામના કાંતાબેન એક્ટિવા પાછળ બેસી ભિલોડા કામકાજ અર્થે જવા નીકળ્યા હતા. એક્ટિવા ધોલવણી ત્રણ રસ્તા પરથી પસાર થતું હતું ત્યારે એક્ટિવા આગળ બાઈક આવી જતા એક્ટિવા ચાલકે બ્રેક મારતા એક્ટિવા પાછળ બેઠેલ કાંતાબેન ડામોર રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ભિલોડા પોલીસે મૃતક મહિલાની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
 
ભિલોડાના જેશીંગપુર ગામની સીમમાં આવેલા કુવામાં યુવકની લાશ તરતી હોવાની માહીતી લોકોને મળતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. સમગ્ર ઘટના અંગે ભિલોડા પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી કુવામાંથી અજાણ્યા યુવકની લાશને બહાર કાઢી પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જેશીંગપુર સીમમાં આવેલ કુવામાંથી મળી આવેલ અજાણ્યા યુવકની હત્યા કે આત્મહત્યા સહીત તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે. ભિલોડા પોલીસે અજાણ્યા યુવકના પરિવારજનોની શોધખોળ હાથધરી છે ત્યારે વધુ એક પરણીત યુવતીની તેના ઘરમાથી લટકતી હાલતમાં લાશ મળી આવી હોવાની માહીતી ભિલોડા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી.