મેરાન્યૂઝ નેટવર્ક.ભિલોડાઃ કેન્દ્ર સરકાર અકસ્માતની ઘટનાઓમાં થતા મૃત્યુની ટકાવારી ઘટાડવા માટે ટ્રાફિકના નિયમો શખ્ત બનાવની સાથે ચુસ્તપણે અમલવારી કરાવવા મથામણ કરી રહી છે. અરવલ્લી જીલ્લામાં સતત અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો હોવાની સાથે અકસ્માતમાં મોત નિપજવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ભિલોડાના ટાકાટૂંકા નજીકથી પસાર થતા એક વાહનની અડફેટે રાહદારીનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતા ચકચાર મચી હતી. અકસ્માતના પગલે ભિલોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.       

ભિલોડાના ટાકાટૂંકા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા વૃદ્ધ રાહદારીનું મોત નીપજ્યું હતું. શુક્રવારે સાંજના સુમારે ટાકાટૂંકાથી બોલુન્દ્રા તરફ જવાના વળાંકમાં પસાર થઇ રહેલા અજાણ્યા રાહદારીને અજાણ્યા વાહનચાલકે પુરઝડપે ગફલતભરી રીતે હંકારી કચડી નાખતા અજાણ્યા વૃદ્ધ રાહદારીના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતની ઘટનાની જાણ ભિલોડા પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચી અકસ્માતે મોત નીપજેલા વૃદ્ધ રાહદારીના મૃતદેહને પીએમ માટે ખસેડી ભિલોડા પોલીસ સ્ટેશનના પોલીસકર્મી નાનજીભાઈ સવજીભાઈ (બ.નં-૩૬૬) ની ફરિયાદના આધારે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી ફરાર વાહનચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ભિલોડા પીએસઆઈ એસ.એચ.પરમારે અકસ્માતમાં મોત નીપજેલા અજાણ્યા રાહદારીના પરિવારજનોની શોધખોળ આદરી છે.