મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી : ડીજીટલ ઇન્ડિયાની ગુલબાંગો વચ્ચે  અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક અને ઇન્ટરનેટના ધાંધિયા યથાવત જોવા મળી રહ્યા છે. ભિલોડા ના ટોરડા ગામે બેંક ઓફ બરોડામાં વારંવાર નેટવર્ક કનેક્ટીવીટી ખોરવાતા ખાતેદારોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ગુરુવારે નેટવર્ક કનેક્ટીવીટીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ગ્રાહકોએ ન છૂટકે બેન્કનું શટર બહારથી બંધ કરી દઈ વિરોધ નોંધાવ્યો હતો. બીજીબાજુ બેંકમાં કામકાજ કરી રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ પણ લાચારી અનુભવી રહ્યા હતા.
 
ભિલોડના ટોરડા ગામ માં છેલ્લા ૩૦ વર્ષથી દેના બેંક કાર્યરત રહી પરંતુ ગત વર્ષે દેના બેંક બેંક ઓફ બરોડા માં મર્જ થયા બાદ ગામ માં બેંક ઓફ બરોડા કાર્યરત થઈ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી બેંકમાં કનેક્ટિવિટી ના કારણે હાલ બેંકના ખાતેદારો ને નાણાંકીય મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.ટોરડા ગામની બેંક ઓફ બરોડા ની શાખા આસપાસના ૩૦ જેટલા ગામો ના લોકો ની આર્થિક કરોડરજ્જુ સમાન છે.સાથે આ બેંક માં ૨૭ હજાર જેટલા સેવિંગ બેંક હોલ્ડર,૬૦૦ પેન્શનર્સ અને ૫૦૦ કે.સી.સી. હોલ્ડરો નાણાંકીય વ્યવહારથી જોડાયેલા છે.પરંતુ રોજ નેટવર્ક કનેક્ટિવિટી ના કારણે પડતી નાણાંકીય મુશ્કેલી અને રોજ ખાવા પડતા ધરમના ધક્કા ને કારણે લોકો એ રોષે ભરાઈ બેંક નું શટર બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો.


 

 

 

 

 

ટોરડા ગામે આવેલ બેંક ઓફ બરોડામાં ખાતા ધરાવતા બાળકો, દિવ્યાંગ લોકો,વૃદ્ધો અને ખાસ કરીને સરકારી સહાય મેળવતા જરૂરિયાતમંદ ખાતા ધારકોને નેટવર્ક કનેક્ટીવીટીના અભાવે ધરમધક્કા ખાવા પડી રહ્યા છે. તેમજ બેંકમાં સ્ટાફ પણ પરપ્રાંતીય હોવાથી સ્થાનીક લોકોને સમજાવવામાં ભારે મુશ્કેલી પેદા થઇ રહી છે. જેથી બેંકમાં સ્થાનિકભાષા સમજી શકે તેવા કર્મચારીઓ ને ફરજ પર મુકવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. આ અંગે ગ્રાહકઓએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા પણ તૈયારીઓ હાથધરી હતી. 

ટોરડા બેંક ઓફ બરોડાના બેંક મેનેજરના જણાવ્યા અનુસાર 

બેંક ની કનેક્ટિવિટી બાબતે અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે. છતાં લોકો ની સમશ્યાનો ઉકેલ ન આવતા લોકો ને બેંક ના ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે. સાથે જ લોકોને સમય ની સાથે નાણાં પણ ખર્ચવા પડી રહ્યા  છે. આ બાબતે બેંક ઓફ બરોડા ના મેનેજર ને પૂછવામાં આવ્યું તો તેમને જણાવ્યું કે જ્યારથી બી.એસ.એન.એલ. એ કનેક્શન ડિસ્કનેક્ટ કર્યું છે ત્યારથી આ પ્રકારની મુશ્કેલી પડી રહી છે. આ બાબતે ઉપરના લેવલે રજુઆત કર્યા બાદ એરટેલ નું ડિવાઇસ બેંક ને આપવામાં આવ્યું છે પણ નેટવર્ક ન હોવાને કારણે તે ડિવાઇસ પણ હાલ કોઈ કામનું ન રહ્યું હોવાથી ખાતેદારો મુશ્કેલી વેઠવી પડી રહી છે.