મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનગરઃ સરકાર ભ્રષ્ટાચારને રોકવા માટે તમામ સરકારી વ્યવસ્થાને ડીઝીટલમાં ફેરવી રહી છે, છતાં ચોરી કરનાર તેના રસ્તા શોધી કાઢે છે. આવી જ એક ઘટના ભાવનગરની આરટીઓ ઓફિસમાં બહાર આવી છે, ભાવનગરના એક શોરૂમાંથી બુલેટ એન્ફીલ્ડ ખરીદનાર ગ્રાહકોએ બુલેટની કિંમત સાથે આરટીઓ ટેકસ ભરી દીધો હોવા છતાં આરટીઓના ચોપડે તે ટેકસની કોઈ નોંધ જ નથી. જેના પરિણામે હવે બુલેટ શોરૂમના માલિક અને તેમને ત્યાંથી બુલેટ ખરીદનારને સહન કરવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.

સરકાર ભલે દાવો કરતી હોય કે હવે આરટીઓમાં વગર એજન્ટો પણ કામ થાય છે, પણ આ બધા દાવા માત્ર કાગળ ઉપરના છે. આરટીઓમાં સાવ સામાન્ય કામ પણ એજન્ટ વગર પુરૂ થતું નથી. તેની પાછળનું કારણ આરટીઓનો સ્ટાફ અને એજન્ટોની મીલી ભગતને કારણે એજન્ટ વગર જનાર નાગરિક એક બારીએથી બીજી બારી ફરતો રહે છે આખરે થાકી તેને એજન્ટ પાસે જ આવુ પડે છે.

ભાવનગરમાં આરટીઓમાં જે ઘટના થઈ તેમાં ભાવનગરના બુલેટના શો રૂમ દ્વારા બુલેટ ખરીદનાર ગ્રાહક પાસેથી નિયમ પ્રમાણે છ ટકા આરટીઓ ટેકસ કાપી લેવામાં આવતો હતો.

ત્યાર બાદ શો રૂમમાં એજન્ટ દ્વારા તેના કાગળો સાથે આરટીઓમાં તેનો ટેમ્પરી નંબર મેળવવામાં આવતો અને બુટેલનું રજીસ્ટ્રેશન પણ કરાવવામાં આવતું હતું, પણ છેલ્લા કેટલાંક સમયથી એજન્ટ અને આરટીઓના સ્ટાફ સાથે મળી મુળ રેકોર્ડ સાથે ચેડા કરી બુલેટની કિંમતમાં ઘટાડો કરી દીધો હતો. જેના કારણે ઉદાહરણ રૂપે છ હજાર ટેકસ થતો હોય તો તે રકમ ઘટાડી રૂપિયા છસો કરી દેવામાં આવતી હતી. આમ ગ્રાહક તો છ હજાર ટેકસ ભરતો હતો, પણ આરટીઓમાં માત્ર છસો જ જમા થતા હતા.

આ મામલો જ્યારે પ્રકાશમાં આવ્યો ત્યારે ખબર પડી કે બુલેટ શો રૂમનું કામ કરતા એજન્ટ અને આરટીઓના અધિકારીઓએ મળી કુલ 83 બુલેટના ટેકસની ચોરી પોતાના ખીસ્સામાં પૈસા જમા કરી નાખ્યા હતા. જો કે હવે સ્થિતિ એવી નિર્માણ થઈ કે આરટીઓ દ્વારા પોતાના સ્ટાફ અને એજન્ટ સામે પોલીસ ફરિયાદ કરવાને બદલે જે બુલેટના નંબર લેવાના બાકી હતા તેમના નંબર અટકાવી દીધા અને શો રૂમને મળેલો ટેમ્પરરી નંબર પણ અટકાવી દીધો. જેના કારણે ભાવનગરમાં બુલેટ ખરીદનારને હવે નંબર મળતા જ નથી.

આરટીઓ દ્વારા આ તમામ 83 બુલેટના કાગળોની તપાસ શરૂ કરતા એજન્ટ અને અધિકારીઓ તમામ બુલેટના મુળ દસ્તાવેજો પણ નાશ કરી નાખ્યા હોવાની જાણકારી મળી રહી છે.