મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનગર : ગુજરાત સરકાર દ્વારા કોરોનાની સ્થિતિ કાબુમાં હોવાની સુફીયાણી વાતો કરવામાં આવી રહી છે. પરંતુ જમીની હકીકત મુજબ જેટ ગતિએ ફેલાતા કોરોનાને રોકવો તો દૂર દર્દીઓને જરૂરી સારવાર માટે પણ તંત્ર સદંતર નિષ્ફળ હોવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. આવી જ વધુ એક ઘટનાનો વિડીયો હાલમાં વાયરલ થયો છે. આ વિડીયો ભાવનગરની સર ટી હોસ્પિટલનો હોવાનું જણાવાયું છે. જેમાં કોઈપણ સ્ટાફ મેમ્બર કોરોના દર્દીઓને અંદર લેવા તૈયાર નહીં હોવાનું જણાવાઈ રહ્યું છે. સાથે જમીન પર સુવડાવી દર્દીઓને બાટલા ચડાવવામાં આવી રહ્યા હોવાનું પણ જોઈ શકાય છે.

વિડીયો કોઈ જાગૃત નાગરિકે બનાવ્યો છે. અને તેઓ બોલી રહ્યા છે કે, ભાવનગરની સિવિલ હોસ્પિટલની આવી હાલત છે. જ્યાં અનેકવાર કહેવા છતાં કોઈ દર્દીઓને અંદર લેવા તૈયાર નથી. અને સ્ટ્રેચર નહીં હોવા જેવા બહાના બતાવવામાં આવી રહ્યા છે. શું મૃત્યુ થયા બાદ દર્દીઓને અંદર લેવાશે ? દરમિયાન વિડીયો બનાવનાર વ્યક્તિ હોસ્પિટલ સ્ટાફ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરે છે.જો કે વિડીયો ઉતારતો જોઈને સ્ટાફ પણ દૂર ચાલ્યો જાય છે. એટલું જ નહીં દસેક દર્દીઓને જમીન પર સુવડાવી બાટલા ચડાવાતા હોવાનું અને અન્ય કેટલાક દર્દીઓ સારવાર માટે રાહ જોઈ રહ્યા હોવાનું પણ આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.


 

 

 

 

 

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આવા અનેક વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે. જેમાં સરકારી તંત્રની ગંભીર બેદરકારીઓ સામે આવતી હોય છે. પરંતુ આજદિન સુધી આવા કોઈપણ મામલે નક્કર કાર્યવાહી હજુસુધી ક્યારેય કરવામાં આવી નથી. જો કે આ વિડીયોમાં કેટલી સચ્ચાઈ છે તે તપાસનો વિષય છે. પરંતુ માત્ર ભાવનગર જ નહીં ગુજરાતનાં અન્ય મહાનગરોમાં પણ કોરોના સંક્રમણ વધતા તંત્ર લાચાર હોય તેવો માહોલ ઠેર-ઠેર જોવા મળી રહ્યો છે. અને ખોબલે-ખોબલે મત લેનાર નેતાઓ પણ આવા કપરા સમયમાં પ્રજાની સાથે ઉભા રહેવાને બદલે ક્યાંય પણ ડોકાતા નથી. સાથે જ સરકાર સબ સલામતનાં દાવાઓ કરી સંતોષ માની રહી છે. ત્યારે આ મહામારી હજુ કેટલાનો ભોગ લેશે તે તો વિચારીને પણ કંપારી છૂટી રહી છે.