હઠીસિંહ ચૌહાણ (મેરાન્યૂઝ.ભાવનગર): આપણે એક તરફ વિકાસની ગુલબાંગો મારીએ છીએ, ત્યારે બીજી તરફ સામાન્ય માણસથી લઈ અમીરો પણ એક વિચિત્ર પ્રકારના માનસિક દબાણમાંથી પસાર થઈ રહ્યા છે. ભાવનગર શહેરના વિજયરાજનગરમાં ગુજરાત પોલીસના રિટાયર્ડ ડીવાયએસપીના પુત્રએ પોતાની પત્ની, બે દીકરીઓ અને પોતાના પાળતુ કુતરાને ગોળી મારી પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટનાએ સમગ્ર ભાવનગર શહેરના હચમચાવી મુક્યું છે.

ગુજરાત પોલીસના રિટાયર્ડ ડીવાયએસપી અને રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા નરેન્દ્રસિંહ જાડેજાનો પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજા ભાવનગરના વિજયરાજનગર વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. પૃથ્વીરાજસિંહ માં એન્ટરપ્રાઈઝના નામે જમીન દલાલીનું કામ પણ કરતા હતા. બુધવારે સાંજે 4.52 વાગ્યાના સુમારે પૃથ્વીરાજસિંહે પોતાના મિત્રોને જાણ કરી કે તે આત્મહત્યા કરી રહ્યો છે, તેમણે મેસેજ દ્વારા જાણકારી આપી હતી કે પોતે આવું પગલું ભરવા જઈ રહ્યા છે. આ અંગેની જાણકારી મળતાં જ તેના મિત્રો પૃથ્વીરાજસિંહને બચાવવા માટે તેના ઘરે દોડી આવ્યા પણ તે પહેલા પડોશીઓએ પૃથ્વીરાજસિંહના ઘરમાંથી અંધાધૂંધ ગોળીબારના અવાજ સાંભળ્યા હતા.


 

 

 

 

આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે દોડી આવેલા પોલીસ અધિકારીઓએ ઘરમાં પ્રવેશ કરીને જોયું તો પૃથ્વીરાજસિંહ સહિત તેમના પત્ની બીનાબા (ઉં. 40), તેમની દીકરી નંદીનીબા (ઉં. 15) અને યશસ્વીની (ઉં. 11) સહિત ચારેયની લાશો પડી હતી. પોલીસને તેમના પાળતુ કુતરાની લાશ પણ મળી આવી હતી. જેને પણ ગોળી મારવામાં આવી હતી. આમ પૃથ્વીરાજસિંહે પોતાના પરિવાર તથા પાળતુ કુતરાને ગોળી માર્યા પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. જોકે આત્મહત્યા કયા કારણસર કરી છે તેની જાણકારી હજુ મળી શકી નથી.

[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ]