હઠીસિંહ ચૌહાણ (મેરાન્યૂઝ.ભાવનગર): ભાવનગરના માધવ દર્શન ખાતે ગીતાંજલી જ્વેલ્સ નામે વેપાર કરતાં દિગ્વીજયસિંહ જાડેજા અને મીનાબા જાડેજાએ ભાવનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનના મ્યૂનિસિપલ કમિશનર એમ એ ગાંધી સહીત કોર્પોરેશનના અધિકારીઓ અને માધવ દર્શનના સંબંધિતોને તેમની દુકાન ગેરકાયદે બંધ કરાવવા અને તેના કારણે તેમને થયેલા નુકસાન પેટે 12.8 કરોડ રૂપિયાનું વડતર ચુકવવાની માગણી કરતી નોટિસ આપી છે.

દિગ્વીજયસિંહ જાડેજાએ પોતાના વકીલ મારફતે મ્યૂનિસિપલ કમિશનર ભાવનગરને પાઠવેલી નોટિસમાં જણાવ્યું છે કે, માધવ દર્શન બિલ્ડીંગમાં તેમની માલીકીની દુકાનો 2001થી આવેલી છે. આ દુકાન પૈકી તેમણે કેટલુંક વધારાનું બાંધકામ પણ કરેલું હતું. 2006માં ઈમ્પેક્ટ ફીનો કાયદો આવ્યો ત્યારે તમણે નિયમ પ્રમાણેની અરજી કરી, પૈસા ભરીને આ બાંધકામને કાયદેસરનું પણ કરેલું હતું. આમ તેમના માલીકીની તમામ મિલકત હવે કાયદેસર છે. 2007 વિધાનસભાની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહીલને મદદ કરી હતી.

તેના પછી ખરેખર તેમની હેરાનગતિની શરૂઆત થઈ, તેઓ તેમની જ માલીકીની દુકાનમાં રિનોવેશનનું કામ કરાવી રહ્યા હતા ત્યારે રાજકીય ઈશારે ભાવનગર કમિશનર દ્વારા તેમને નોટિસ આપી તેમનું કામ અટકાવી દેવાયું હતું. આમ રાજકીય કિન્નાખોરીનો તેઓ ભોગ બન્યા હતા.

ખુદ મ્યૂનિસિપલ કમિશનર જાણે છે કે સમગ્ર કામ કાયદેસર હોવા છતાં રાજકીય ઈશારે તેઓ સત્તાનો ગેરકાયદે ઉપયોગ કરી મને આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટે દિશા નિર્દેશો આપ્યા હોવા છતાં તેને પણ ધ્યાનમાં લેવાયા નથી. જેના કારણે તેમનું કામકાજ ઠપ્પ થઈ ગયું અને કોર્પોરેશનના અધિકારીઓ કોઈ પણ નિયમનો અમલ કરાવ્યા વગર દુકાનમાં રહેલા ફર્નિચર અને દસ્તાવેજો પણ લઈ ગયા. જે નિયમ વિરુદ્ધનું કૃત્ય છે.

દિગ્વીજયસિંહ જાડેજાએ માંડેલા 12.8 કરોડના દાવામાં રૂપિયા 7 કરોડ ફેબ્રુઆરી 2019થી લઈ ઓક્ટોબર 2020 સુધી તેમનો વ્યવસાય બંધ રહ્યો તે પેટે 93 લાખ રૂપિયા તેમની ઓફીસમાં રહેલા ફર્નિચર તેમજ અગત્યના દસ્તાવેજો પેટે, એક કરોડ રૂપિયા સમગ્ર ઘટના દરમિયાન તેમને થયેલા માનસિક સંતાપ પેટે, 15 લાખ રૂપિયા કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવાના ખર્ચ પેટે અને ફેબ્રુઆરી 2019થી ઓક્ટોબર 20 દરમિયાન તેમને થયેલા નુકસાનના વ્યાજ પેટે 3 કરોડ રૂપિયા આમ કુલ 12.8 કરોડ રૂપિયા જેટલી રકમ ચુકવવાની માગણી તેમણે કરી છે.

તેમણે આ તમામ સામે હોદ્દાની રૂએ નહીં પણ વ્યક્તિગત ધોરણે આ રકમ ચુકવવા જણાવ્યું છે. દિગ્વીજયસિંહ જાડેજાએ અમારા મેરાન્યૂઝના સંવાદદાતા સાથે વાત કરતાં જણાવ્યું કે, તેઓ આ સંદર્ભે પોલીસ ફરિયાદ પણ કરી રહ્યા છે. આ ફરિયાદનો ઈરાદો સત્તા અને રાજકીય ઈશારે ખોટું કરતાં અધિકારીઓને કાયદાનું જ્ઞાન અને ભાન કરાવવાનો જ છે.