મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનગરઃ આમ તો ઘટના જુદી જુદી છે, ભાવનગર પોલીસમાં હત્યાના બે બનાવોની બે અલગ અલગ ફરિયાદો નોંધાઈ છે પરંતુ પોલીસ માની રહી છે કે, સગીરની હત્યા અને ભાવનગરના તખ્તેશ્વર વિસ્તારમાં થયેલી મહિલાની હત્યા વચ્ચે કોઈક એવી કડી છે જે બંને હત્યાઓને સાંકળી રહી છે. જોકે હજી પોલીસને આ બંને હત્યાકાંડનો આરોપી એક જ છે તેવા પુરાવા મળ્યા નથી છત્તાં પોલીસની નજર કહી રહી છે કે હત્યારો એક જ હોઈ શકે.

ભાવનગરમાં આજે એક જ દિવસમાં હત્યાના બે બનાવો બન્યા છે જેમાં સવારે એક સગીરની હત્યા થઇ અને તેના પર છરીના ૨૦ થી વધુ ઘા મારી હત્યા કરી દેવાઇ હતી  ભાવનગર રીંગ રોડ વરતેજ-સીદસર રોડ પર બનેલી આ ઘટનામાં સગીર પાસે એક સાડી પડેલી છે અને સમગ્ર ઘટના રહસ્યમય છે, હજુ સુધી સગીરની ઓળખ થઇ નથી કે, આરોપીની ભાળ મળી નથી, હત્યા ત્યાં જ થઇ કે અન્ય કોઇ જગ્યાએ હત્યા કરી લાશને આ રોડ પર ફેંકી દેવામાં આવી છે તેની કોઇ વિગતો બહાર આવી નથી, દરમ્યાન આ ઘટનાનો ભેદ ખુલ્યો નથી ત્યાં જ સાંજે ભાવનગર શહેરના તખ્તેશ્વર પાસે ટીબીઝેડની સામે આવેલા જનકલ્યાણ હાઉસીંગ સોસાયટીના ફ્લેટના બીજા માળેથી એક બ્રાહ્મણ યુવતીની હત્યા થયાના સમાચાર બહાર લઈને આવ્યા છે.

Advertisement


 

 

 

 

 

બ્રાહ્મણ યુવતી અંકિતા પ્રકાશભાઇ જોશી ૨૮ વર્ષની છે અને તેણી ભાંગલી ગેટ પાસે રહે છે અને ડીવોર્સી છે. તેણીની લાશ છેક તખ્તેશ્વર પાસેના ફ્લેટમાંથી મળી છે અને તે ફ્લેટ વણિક વેપારી હેમેન્દ્રભાઇ ભૂપેન્દ્રભાઇ શાહની માલિકીનો છે, લાશ ગોદડામાં વિંટાયેલી છે, હત્યા અહીં જ થઇ છે કે અન્ય કોઇ જગ્યાએ હત્યા કરીને લાશને અહીં મુકવામાં આવી છે તે પણ તપાસનો વિષય છે, સાથો સાથ અંકિતા જોશી અહીં આ ફ્લેટમાં શા માટે આવી હતી, તે પણ તપાસનો વિષય છે.

સમગ્ર મામલે આઇપીએસ અધિકારી સફિન હસને મીડીયા સમક્ષની વાતચીતમાં જણાવ્યું હતું કે, અંકિતા જોશીની ઓળખ થઇ છે અને આ ફ્લેટ હેમેન્દ્રભાઇ શાહની માલિકીનો છે, સમગ્ર મામલે પોલીસ ફરીયાદ નોંધવાની અને તપાસના ચક્રો ગતિમાન કરવાની તજવીજ શરૂ કરી દેવાઇ છે.