મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનગર: આપણા દેશમાં આપણે એક તરફ પ્રગતિની ગુલબાંગો મારીએ છીએ બીજી તરફ આપણી માનસિકતા હજી પણ જંગલ યુગની છે. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સણોદરા ગામે રહેતા દલિત અમરાજી બોરીચા ને સરકારી ખેડવા આપેલી જમીન સામે ગ્રામજનોનો વિરોધ હતો. જેને લઇ તેમની ઉપર અનેક પ્રાણ ઘાતક હુમલાઓ થયા હતા. વર્ષ 2013માં ગુજરાત સરકારે જ તેમને પોલીસ રક્ષણ આપ્યું હતું પરંતુ તારીખ 2 માર્ચના રોજ આ ગામમાં નીકળેલા વિજય સરઘસ બાદ કેટલાક તત્વોએ અમરાજીના ઘર પર ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો. અમરાજી ને બચાવવા તેમની દીકરી વચ્ચે પડતા એ પણ ગંભીર રીતે ઘવાઈ હતી. આ ઘટનામાં અમરાજી એ જીવ ગુમાવ્યો હતો.

ગુજરાત સરકારની યોજના પ્રમાણે દરેક ગામમાં દલિતોને જીવનનિર્વાહ માટે ખેતી કરી શકે તે માટે રાજ્ય સરકારે જમીન ફાળવી છે, પરંતુ અનેક ગામોમાં ગ્રામજનોનો દલિતોને ફાળવવામાં આવેલી જમીન સામે વાંધો છે. આવું જ સણોદરા ગામના વતની અમરાજી બોરીચા ની જમીન ને લઈને પણ વિવાદ હતો.


 

 

 

 

 

વર્ષ ૨૦૧૦થી અમરાજી ઉપર હુમલા થવાની શરૂઆત થઇ હતી વર્ષ 2013માં અમરાજી ને પોલીસ રક્ષણ પણ આપવામાં આવ્યું હતું. અમરાજી એ ઘોઘા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ પ્રણવ સોલંકી સામે પણ કોર્ટમાં ફરિયાદ કરી હતી આમ છતાં તંત્રે અમરાજીની ફરિયાદને કાને ધરી નહીં. જેનું માઠું પરિણામ આજે આવ્યું. અમરાજી ને એસઆરપી નું રક્ષણ હોવા છતાં પોલીસની હાજરીમાં જ સાંજે 5:30 ના સુમારે ઘાતક હથિયારો સાથે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો અને તેમનું મોત નિપજાવવામાં આવ્યું.

આ ઘટના પછી ભાવનગર સરકારી હોસ્પિટલમાં એકત્રિત થયેલા દલિતોએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ને પણ આરોપી બનાવવાની માંગ કરી છે. આ ઘટનાના પ્રત્યાઘાત રાજ્યવ્યાપી બને તેવી શક્યતા છે.