હઠીસિંહ ચૌહાણ (મેરાન્યૂઝ.ભાવનગર): ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન શિયાળની બીજેપીમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે નિમણૂંક થતા ભાવનગર ભાજપ કાર્યાલયે કાર્યકર્તાઓએ આતશબાજી કરી અને મીઠાઇ વહેંચી હતી. આ ઉત્સાહમાંને ઉત્સાહમાં ભાજપ કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડયા હતાં.

એક તરફ સરકાર કોરોના મહામારી ને હરાવવા એડીચોટીનું જોર લગાવી રહી છે તો બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓ જ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી રહ્યા નથી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ શનિવારે પોતાની ટીમની જાહેરાત કરી હતી. જેમાં ગુજરાતમાંથી એકમાત્ર ભાવનગરના સાંસદ ડો. ભારતી શિયાળને ઉપાધ્યક્ષ તરીકે નિમણૂંક કરી છે.

આ નિમણૂંકથી ભાજપના હવે રાષ્ટ્રીય સ્તરે પક્ષ અને સરકારમાં પણ સૌરાષ્ટ્ર અને તેમાંય ભાવનગરના નેતાઓનો દબદબો વધ્યાનું ચિત્ર ઉપસ્યું છે. ભારતીબેન શિયાળની સાંસદ તરીકે તેમની આ બીજી ટર્મ છે. રાષ્ટ્રીય સંગઠનમાં ભાવનગરના સાંસદની નિમણૂંકથી ગુજરાતમાં ભાજપના અનેક નેતાઓ સ્તબ્ધ થઈ ઉઠયા છે.

જેની ખુશીમાં આજે ભાવનગરના ભાજપ કાર્યાલયએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ભાજપના કાર્યકર્તાઓએ માસ્કપણ પહેર્યું નથી અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું નથી. ત્યારે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે આ કોરોના મહામારીની ગાઈડલાઈન્સના કાર્યકર્તાઓ જ ખુલ્લેઆમ ધજાગરા ઉડાડી રહ્યા છે તો પછી લોકો કોરોના મહામારીને કેવી રીતે હરાવી શકશે?

ઉલ્લેખનીય છે કે હાલમાં કોરનાના સંક્રમણને રોકવા માટે ગુજરાત સરકારે ખુદ રાજ્ય કક્ષાએ થતો નવરાત્રી મહોત્સવ ન કરવાનો નિર્ણય કર્યો છે. અહીં સુધી કે મોટા ભાગના સામાન્ય લોકો પણ આ વખતે નવરાત્રીમાં ગરબે નહીં રમીએ તેવું નક્કી કરી ચુક્યા છે. છતાં ભાવનગરમાં નેતાઓ કોરોનાના ભય વગર બિન્દાસ્ત ગરબે ગુમ્યા હતા. જોકે કહેવું પણ શું થોડા સમય પહેલા જ્યારે ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખ હજારોના ટોળા સાથે રસ્તા પર ઉતરી શક્તિ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે પણ તંત્રએ પોતાની ખુરશીના ચાર પગ સુદ્ધા હલાવ્યા ન્હોતા અને ચૂપચાપ હતા. તો હવે તંત્ર પાસે લોકોને બહુ વધુ અપેક્ષા તો નથી પરંતુ લોકોની નજરમાં એક ન્યાયની આશાઓ સતત રહેતી હોય છે.