હઠીસિંહ ચૌહાણ (મેરાન્યૂઝ.ભાવનગર): ભાવનગરના કોળિયાકના દરિયામાં અસ્થિ વિસર્જનની વિધિ કરવા પહોંચેલા અમદાવાદના એક જ પરિવારના ત્રણ વ્યક્તિનું ડૂબી જતાં મોત નિપજ્યું છે. ત્રણ વ્યક્તિના ડૂબી ગયાના અહેવાલ સામે આવતા જ ચકચાર મચી ગઈ હતી.

આ કરુણાંતિકાની મળતી માહિતી પ્રમાણે ભાવનગર નજીકના કોળિયાકના પ્રસિદ્ધ દરિયામાં આજે અમદાવાદના બાવળાના લાલજીભાઈ રમતુંભાઈ નાયક અને તેમના 13 વર્ષિય પુત્ર જયેશ અને 17 વર્ષની દીકરી સરોજ ડૂબી ગયા હતા. તેઓ અહીં અસ્થિ વિસર્જન કરવા માટે આવ્યા હતા.  તેઓ દરિયામાં ડૂબી જતાં તેમના મોત નિપજ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી ત્રણેય વ્યક્તિના મૃતદેહ દરિયામાંથી બહાર કઢાયા હતા. મૃતક લાલજીભાઈ નાયક બાવળાથી અહીં કોળિયાક નિષ્કલંક મહાદેવના દરિયામાં અસ્થિ વિસર્જન માટે આવ્યા હતા.

અસ્થિ વિસર્જન દરમિયાન તેઓ અચાનક પાણીમાં તણાવા લાગતા પાણીમાં ડૂબી ગયા હતા. જેને કારણે ત્રણેય વ્યક્તિઓના મોતથી ચકચાર મચી ગઈ હતી. અચાનક બનેલી આ ઘટનાએ પરિવારને શોકમાં સરાવી દીધો છે. બનાવે ભારે ગમગીની ફેલાવી દીધી છે. દરિયામાં આજે ભારે હિલચાલ હતી. 

દરિયાના ભારે હિલચાલ વચ્ચે જ્યારે લાલજીભાઈ અને તેમના સંતાનો ડૂબવા લાગ્યા ત્યારે તેમની પત્નીએ બુમાબુમ કરી દીધી હતી. જેને કારણે આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા. દરિયા કાંઠે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે બનાવને પગલે વધુ તપાસ હાથ ધરી છે.