મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનગરઃ રાજપુત સમાજના આગેવાન અને ભાવનગરના બુધેલ ગામના પુર્વ સરપંચ દાનસંગ મોરી સહિત કુલ આઠ વ્યકિતઓ સામે નોંધાયેલી લૂંટની ફરિયાદ બાદ રવિવારના રોજ વધુ ત્રણ ફરિયાદ નોંધાતા હવે મામલો ગરમાયો છે, દાનસંગ મોરી સામે નોંધાયેલી ફરિયાદ ખોટી છે અને પોલીસ ખોટી રીતે કનડી રહી છે તેવો આરોપ રાજપુત સમાજ પોલીસ અને સરકાર સામે મુકી રહ્યો છે. બીજી તરફ પોલીસની હેરાનગતી સામે દાનસંગ મોરીના પત્ની વિમલબા મોરીએ જૌહર (આત્મવિલોપન) કરવાની ધમકી આપી છે.

ભાવનગરના શીપબ્રેકર અને દાનસંગ મોરીની કાર વચ્ચે થયેલા અકસ્માત બાદ થયેલી મારા મારીની ઘટનામાં શીપબ્રેકર દ્વારા દાનસંગ મોરીએ રૂપિયા 2500ની લૂંટ કરી હોવાની ફરિયાદ નોંધાવી  હતી, આ ઘટના પછી પોલીસે દાનસંગ મોરીની હોટલ ઉપર દરોડા પાડયા હતા અને હોટલના ગ્રાહકોને પરેશાન કર્યા હતા તેવો આરોપ દાનસંગનો પરિવારનો છે. આ ઉપરાંત ભાવનગર-સુરત વચ્ચે ચાલતી દાનસંગની ટ્રાવેલ્સ બસના મુસાફરોને અધવચ્ચે ઉતારી બસો ડીટેઈન કરી લીધી હતી તેવો પણ પોલીસ ઉપર આરોપ છે, આ મામલે જયારે રાજપુતો રેલી કાઢવા માગે છે ત્યારે પોલીસ તેમને મંજુરી આપતી નથી અને રાજપુતો એકઠા થાય તો તેમને તગેડી મુકે છે.

દાનસંગના પત્ની વિમલબા મોરીએ કરેલી પત્રકાર પરિષદમાં જણાવ્યુ કે પોલીસ તેમના પરિવારને પરેશાન કરી રહી છે, રાજકીય કિન્નાખોરીને કારણે દાનસંગ સામે ફરિયાદો નોંધાઈ રહી છે, પોલીસ મધરાત્રે તેમના ઘરે આવે છે અને મહિલા પોલીસ વગર આવી તેમને પરેશાન કરે છે જો આવી સ્થિતિ ચાલુ રહેશે તો તેમને જૌહર કરવાની ફરજ પડશે અત્રે ઉલ્લેખનિય છે કે મુળ વિવાદ દાનસંગ મોરી અને જીતુ વાઘાણી વચ્ચે હતો, પરંતુ 2017માં વિધાનસભાની ચૂંટણી સામે હોવાને કારણે અમિત શાહની મધ્યસ્થીમાં કાનભા રજોડાની હાજરીમાં સમાધાન થયું હતું પરંતુ હવે સ્વાર્થ પુરો થતાં ફરી જીતુ વાઘાણીએ પોતાનો રાજકીય હિસાબ પુરો કરવાની શરૂઆત કરી હોવાનો આરોપ રાજપુતોનો છે. જ્યારે ભાવનગરના શીપબ્રેકરોનો આરોપ છે કે આ વિસ્તારમાં રાજપુતો સંગઠીત હોવાને કારણે વેપાર ધંધામાં તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે, પરંતુ આશ્ચર્યની બાબત એવી છે પોતાને રાજપુત આગેવાન તરીકે પ્રસ્થાપિત કરનાર કાનભા રજોડા જીતુ વાઘાણી અને ભાજપને નારાજ કરવા માગતા નથી જેના કારણે તેઓ દાનસંગના વિવાદથી પોતાને દુર રાખી રહ્યા છે.

જુઓ વિમલબા દાનસંગ મોરીનો વીડિયો