પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.ભાવનગર): આપણે ત્યાં કાયદાનો ભંગ કરે તેને જ સજા મળે છે તેવું આપણે માનીએ છીએ, પણ ખરેખર તેવું થતું નથી. કાયદો એક વ્યક્તિ તોડે પરંતુ તેની સજા સમગ્ર પરિવારને થાય છે. આવી જ ઘટના ભાવનગર જિલ્લા જેલમાં બની છે. ભાવનગર પોલીસે એક સ્ત્રીના અપમૃત્યુ કેસમાં સ્ત્રીના પતિ અને સાસુ-સસરાને પકડી જેલમાં મોકલી આપ્યા હતા. સ્ત્રીનું અપમૃત્યું થતાં અને પરિવાર જેલમાં જતાં સ્ત્રીનો દોઢ વર્ષનો દિકરો અને ત્રણ મહિનાની દીકરી પોતાના પિતા અને દાદા-દાદી સાથે જેલમાં આવ્યા હતા.

કેટલીક સામાજિક વટંબણાઓ બહુ જ જુદી હોય છે, વિજ્ઞાનના સહારે આપણે આકાશ અને પૃથ્વીના પેટાળમાં થતાં ફેરફારો સમજી શકીએ છીએ પરંતુ માણસના મનમાં ચાલતી ગરબડો આપણે સમજી શક્તા નથી. ભાવનગર જિલ્લામાં પતિ પત્નીના પારિવારીક કંકાસને કારણે સ્ત્રીનું અપમૃત્યુ થયું હતું. સ્ત્રીનું અપમૃત્યુ થતાં કાયદાની જોગવાઈ પ્રમાણે તેના પતિ અને સાસુ-સસરા સામે ગુનો નોંધાયો હતો.


 

 

 

 

 

ગુનો બીન જામીન લાયક હોવાને કારણે મૃતક સ્ત્રીના પતિ અને સાસુ સસરાને પકડી ભાવનગર જિલ્લા જેલમાં મોકલી આપવાનો નિર્ણય થયો. મૃતક સ્ત્રીને બે સંતાનો પણ હતા. દીકરો અનીલ દોઢ વર્ષનો અને દીકરી કાજલ ત્રણ મહિનાની છે. જે કાજલને પોતાના માં ના ખોળા અને હુંફની જરૂર હતી તે જ હવે દુનિયામાં રહી ન્હોતી. હવે આ બંને બાળકોનો સહારો તેના પિતા હતા, પણ નિયમ પ્રમાણે હવે પિતાને જેલમાં જવાનું હતું.

પિતા પાસે પણ કોઈ વિકલ્પ ન્હોતો કારણ કે બાળકની સંભાળ પણ હવે તેમને જ રાખવાની હતી. જેલમાં આવેલા પિતા સાથે દોઢ વર્ષનો દિકરો અને ત્રણ મહિનાની દીકરી જોઈ જેલ સ્ટાફને પણ આશ્ચર્ય થયું હતું. માની લો કે ભૂલ પિતાએ કરી હશે પણ સજા બાળકોને પણ મળી રહી હતી. જેલમાં આવ્યા પછી માતાનું સ્તનપાન કરતી કાજલ ભુખ લાખતા રડવા લાગી હતી.

શરૂઆતમાં તો ભાવનગર જેલના જેલર આર બી મકવાણાને કાંઈ સમજાયું જ નહીં કે શું કરવું જોઈએ, પણ રડી રહેલી બાળકીનું રુદન કોઈપણ કઠણ હૃદયના માણસને હચમચાવી નાખે તેવું હતું. ખાખી કપડામાં રહેલા જેલરમાં પણ એક પિતા અને એક માણસ જીવતો હતો. તેમણે કેટલીક સેવાભાવી સંસ્થાઓની મદદ માગી અને બાળકી માટે બેબી કીટ, ગરમ કપડાં, મચ્છરદાની, ઘોડીયું અને દૂધની બોટલ મંગાવી. હવે જેલર મકવાણા કાજલની માતાની ભૂમિકામાં આવી ગયા, તે હવે રોજ કાજલને તેડી બોટલથી દૂધ પીવડાવે છે. અહીં એ ઘડીની તસવીર દર્શાવાઈ છે જે સમગ્ર ચિત્ર સ્પષ્ટ કરી દેનારી છે.