મેરાન્યૂઝ નેટવર્ક.ભાવનગર : કોવિડ કેર સેન્ટરમાં ફેરવવામાં આવેલી હોટલમાં આગ લાગવાની ઘટના બની છે, બુધવારે સવારે બનેલી આ ઘટનામાં કોઈ જાનહાની ના થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ વહેલી સવારે બનેલી ઘટનાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, બીજી તરફ ફાયર બ્રિગેડ અને મેડિકલ સ્ટાફ દ્વારા તાત્કાલિક ભરેલા પગલા ના કારણે તમામ દર્દીઓને સુરક્ષિત કરવામાં સફળતા મળી છે. અહી કોરોનાની સારવાર લઈ રહેલા 68 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડી લેવાયા છે.

ભાવનગર ફાયર બ્રિગેડના ઓફિસર ભરત કનાડાએ જણાવ્યું કે, 'જનરેશન એક્સ હોટલ'ના ત્રીજો માળે ધૂમાડો થયો હતો. ભરત કનાડાએ વધુમાં જણાવ્યું કે, ટીવીમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગવાની ઘટના બની હતી. હવે સ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે. વધારે ધૂમાડો હોવાના કારણે દર્દીઓને ત્યાંને ત્યાં રાખવા મુશ્કેલ હતું. હાલ તમામ ફાયરનાં જવાનોની મદદથી દર્દીઓને અન્ય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.